અમરેલી: ભાજપ MLAના જમાઈ પર જીવલેણ હુમલાનો કેસ, પોલીસે 12 આરોપીની કરી ધરપકડ
Amreli News: અમરેલી-જાફરાબાદ શહેરમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ચેતન શિયાળ પર જીવલેણ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતાં. બે જૂથથી માથાકૂટ થતાં સમગ્ર વિવાદ સર્જાયો હતો. જેમાં ચેતન શિયાળને હોસ્પિટલમાં દાખલ કર્યાં બાદ તેના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સમગ્ર બાબતે ગુનો નોંધી તપાસ 12 આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની કરી ધરપકડ
ચેતન શિયાળ પર સોમવારે મોડી રાત્રે બબાલ થતાં કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા થતાં ભાવનગર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ચેતન શિયાળના પિતા ચંદ્રકાંત શિયાળે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચંદ્રકાંતની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર બનાવ વિશે તપાસ હાથ ધરી હતી. જાફરાબાદ મરીન પોલીસ, LCB, SOGની ટીમ દ્વારા કુલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શું હતો સમગ્ર બનાવ?
મળતી માહિતી મુજબ, ચંદ્રકાંત શિયાળ અને તેની સાથે અન્ય લોકો માછીમારી કરીને પરત ફરતા હતાં, તે દરમિયાન ચંદ્રકાંત અને અન્ય લોકો માછલી ખાલી કરવા જેટી પર જઈ રહ્યાં હતાં. ત્યારે યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડુ પડ્યું હતું. જેને હટાવવાના મુદ્દે બંને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ વધતાં ચંદ્રકાંતભાઈનો પુત્ર ચેતન શિયાળ પણ ત્યાં પહોંચ્યો. બાદમાં ઝઘડો વધતાં તે મારામારીમાં બદલાઈ ગયો. આ દરમિયાન આરોપીઓએ કુહાડી વડે જીવલેણ હુમલો કરી ચેઇન લૂંટી હોવાનો ચેતન શિયાળે આરોપ લગાવ્યો છે. ચેતન શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય હીરા સોલંકીનો જમાઈ છે.
આ પણ વાંચોઃ સુરતના આ 2 MLAની ‘હિંમત’ વધી, બેનરોમાંથી મોદી, શાહ અને CM ગાયબ : માત્ર પાટીલને સ્થાન
નોંધનીય છે કે, આ હુમલા દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. જોકે, પોલીસે આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.