Get The App

અહિંસાના વિચારની રક્ષા કરવા ક્યારેક હિંસા પણ જરૂરી...' RSSના સુરેશ ભૈયાજીનું નિવેદન

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
અહિંસાના વિચારની રક્ષા કરવા ક્યારેક હિંસા પણ જરૂરી...'  RSSના સુરેશ ભૈયાજીનું નિવેદન 1 - image


Suresh Bhaiyyaji Statement : અહિંસાના વિચારની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા કરવી પણ જરૂરી થઇ જાય છે. હિંદુ હંમેશાં પોતાના ધર્મની રક્ષા માટે કટિબદ્ધ છે. આપણા ધર્મની રક્ષા માટે આપણે એવા કામ પણ કરવા પડી શકે છે, જેને લોકો અધર્મ ગણાવશે અને આ પ્રકારના કામ આપણા પૂર્વજોએ કર્યા હતા તેમ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણીના સદસ્ય ભૈયાજી જોશીએ અમદાવાદ ખાતે જણાવ્યું છે. 

તમામ દેશને સાથે લઇને ચાલવા માટે એકમાત્ર ભારત જ સક્ષમ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે યોજાઇ રહેલા હિન્દુ આઘ્યાત્મિક-સેવા મેળાના ઉદ્‌ઘાટન પ્રસંગે આરએસએસના સુરેશ ભૈયાજી જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ‘હિન્દુ ધર્મમાં અહિંસાનું તત્વ વણાયેલું છે અને તેને નકારી શકાય જ નહીં. પરંતુ ક્યારેક-ક્યારેક આપણે અહિંસાના વિચારની રક્ષા માટે હિંસાનો સહારો લેવો પડે છે. આમ કરવામાં આવે નહીં તો અહિંસાનો વિચાર પણ સુરક્ષિત નહીં રહે. આપણા મહાન પૂર્વજોએ આપણને આ સંદેશો આપેલો છે. ’ તેઓએ સાથે મહાભારતનો ઉલ્લેખ કરતાં એમ પણ ઉમેર્યું કે પાંડવોએ પણ અધર્મને ખતમ કરવા માટે યુદ્ધના નિયમોને નજરઅંદાજ કર્યા હતા. 

તેમણે વઘુમાં જણાવ્યું કે, ‘જો કોઇ ધર્મ લોકોને પોત-પોતાના ધર્મનું પાલન કરવાની મંજૂરી આપે નહીં તો શાંતિની સ્થાપના પણ થવાની નથી. ભારત સિવાય અન્ય એવો કોઇ જ દેશ નથી જે તમામ દેશને સાથે લઇને ચાલવા માટે સમર્થ હોય. વસુધૈવ કુટુંબકમ્‌ આપણી આઘ્યાત્મિક્તાનો વિચાર છે. જો આપણે સમગ્ર વિશ્વને એક પરિવાર માની લઇએ તો કોઇ સંઘર્ષ નહીં થાય. આપણે જ્યારે એમ કહીએ કે ભારતને મજબૂત બનાવવું જોઇએ તો વાસ્તવમાં આપણે વિશ્વને એવું આશ્વાસન આપીએ છીએ કે એક મજબૂત ભારત અને એક મજબૂત હિન્દુ સમુદાય તમામના હિતમાં છે. કેમકે, આપણે નબળા અને વંચીતોની રક્ષા કરીશું. આ વિશ્વના હિન્દુઓ સાથે જોડાયેલી વિચારધારા છે. 

આઘ્યાત્મિક સંસ્થાઓ માત્ર પૂજાપાઠ-કર્મકાડ પૂરતી સીમિત નથી

હિન્દુ એટલે ધર્મ, અઘ્યાત્મ, વિચાર, જીવનશૈલી, જીવનના મૂલ્યો અને સેવા છે એમ જણાવતા ભૈયાજી જોશીએ ઉમેર્યું કે હિન્દુ ધાર્મિક આઘ્યાત્મિક સંસ્થાઓ માત્ર પૂજાપાઠ-અનુષ્ઠાન-કર્મકાંડ પૂરતી જ સીમિત નથી, તેઓ અનેક સેવાકાર્યો-વિદ્યાલયો-ચિકિત્સાલયો, વૈદિક જ્ઞાન આપતા ગુરુકુળ પણ ચલાવી રહ્યા છે અને સેવા કરતા રહ્યા છે. ધર્મની વાત કરીએ એટલે સેવા કર્તવ્ય આવે જ છે. ’ 

સેવા કરનારા ચોક્કસ વર્ગના જ હોય છે તેવો ભ્રમ ઉભો કરાયો

ભૈયાજી જોશીએ જણાવ્યું કે, ‘વિશ્વભરમાં એવો ભ્રમ ઉભો કરાયો છે કે સેવા કરવાવાળા ચોક્કસ વર્ગના જ લોકો હોય છે. પરંતુ ભારતમાં તો એક પરંપરા છે કે જેમાં ભંડારા-લંગર-અન્નક્ષેત્ર વગેરે સતત ચાલતા રહે છે. જેમાં પ્રતિ દિવસે 1 કરોડ લોકો ભોજન લેતા હોય છે. ’ 


Google NewsGoogle News