રીંગ રોડ પર ઓગણજમાં રેસ્ટોરન્ટમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો
રેસ્ટોરન્ટનો માલિક વ્યક્તિ દીઠ ૧૦ હજાર લેતો હતો
ત્રણ લાખની રોકડ , મોબાઇલ ફોન અને ત્રણ લક્ઝરીયસ કાર સહિત કુલ ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
અમદાવાદ, રવિવાર
સરદાર પટેલ રીંગ રોડ ઓગણજ નજીક આવેલા ફુડ ફોરેસ્ટ નામના રેસ્ટોરન્ટની આડમાં ચાલતા જુગારના અડ્ડા પર સોલા પોલીસે આઠ લોકોની ધરપકડ કરીને ત્રણ લાખની રોકડ અને મોબાઇલ , કાર સહિત કુલ ૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુું હતું કે રેસ્ટોરન્ટનો માલિક પ્રતિ વ્યક્તિ દીઠ ૧૦ હજારની રકમ લઇને જુગાર રમવાની વ્યવસ્થા પુરી પાડતો હતો. આ અંગે સોલા પોલીસે તપાસ હાથ ધરી છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એન ભુકણને ચોક્કસ માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ ઓગણજ સર્કલ પાસે ફુડ ફોરેસ્ટ નામની રેસ્ટોરન્ટમાં આવેલી એક ઓરડીમાં છેલ્લાં ઘણા સમયથી મોટાપાયે જુગાર રમાડવામાં આવી રહ્યો છે.
જે બાતમીને આધારે પોલીસે શનિવારે સાંજના દરોડો પાડીને તપાસ કરતા નવ લોકોને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ પાસેથી ત્રણ લાખની રોકડ અને દાવ પર આઠ હજાર જેટલી રોકડ મળી આવી હતી.
આ ઉપરાંત, પોલીસે મોબાઇલ ફોન અને ત્રણ કાર સહિત કુલ ૩૫.૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મુકેશ પટેલ નામનો રેસ્ટોરન્ટનો માલિક જુગાર રમવાની સગવડતા આપવાના બદલામાં ૧૦ હજારની રકમ ઉઘરાવતો હતો. જેના બદલામાં તે જુગાર રમાડવાની વ્યવસ્થા પુરી પાડતો હતો.