નારણપુરામાં એલિફન્ટામાં ૨૫ લાખના એમ ડી ડ્રગ્સ સાથે પાંચ શખ્સો ઝડપાયા
ડ્રગ્સ પેડલર અને સપ્લાયર્સ ડ્રગ્સની આપ-લે કરતા હતા
એપાર્ટમેન્ટમાં રહેતો પેડલર ઘરમાં ડ્રગ્સ પીવાની વ્યવસ્થા કરી આપતા હતોઃ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી
અમદાવાદ,બુધવાર
સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ મંગળવારે રાતના સમયે નારણપુરા જૈન દેરાસર પાસે આવેલા એલિફન્ટા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ડ્રગ્સ સપ્લાયર્સ અને પેડલર્સ મળીને પાંચ લોકોને રૂપિયા ૨૫.૬૬ લાખની કિંમતના એમ ડી ડ્ગ્સ સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટનો માલિક ડ્રગ્સ પેડલર હોવાની સાથે તેના ઘરમાં ડ્રગ્સ પીવા માટેની વ્યવસ્થા પણ કરી આપતો હતો.
એસઓજીના ડીસીપી જયરાજસિંહ વાળાને બાતમી મળી હતી કે ફતેહવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ શેખ ડ્રગ્સ પેડલર તરીકે કામ કરે છે અને તેને મધ્યપ્રદેશ રતલામમાં રહેતો મોહંમદખાન નામના વ્યક્તિ એમ ડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે નારણપુરામાં આવેલા એલિફન્ટા એપાર્ટમેન્ટમાં રહેતા જીગ્નેશ પંડયાને ત્યાં આવવાનો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડીને મોંહમદખાન, મુસ્તકીમ, ઘુ્રવ પટેલ, મોંહંમદ શેખ, અબરારખાન પઠાણને ઝડપીને તેમની પાસેથી ૨૫.૬૬ લાખની કિંમતનું એમ ડી ડ્ગ્સ જપ્ત કર્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે ફ્લેટનો માલિક જીગ્નેશ પંડયા પણ ડ્રગ્સ પેડલર તરીકે કામ કરતો હતો અને તે બહારથી આવતા લોકોને તેના જ ઘરમાં ડ્ર્ગ્સ લેવા માટેની વ્યવસ્થા કરી આપતો હતો. આ અંગે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે.