બાપુનગરમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો જપ્ત કરાયો
કેમીકલનો જથ્થો મિથેનોલ અથવા ઇથેનોલ આલ્કોહોલનો હોવાની આશંકા
વટવાની કંપની પાસે લાયસન્સ ન હોવા છતાંય, કેમીકલનો જથ્થો મંગાવાયો એફએસએલના રિપોર્ટ બાદ ગુનો નોંધવાની કાર્યવાહી થઇ શકેઃ પોલીસ
અમદાવાદ,
શુક્રવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીએ ગુવારે સાંજે બાપુનગર ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસે આવેલા એક ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલા ૧૦ જેટલા બેરલ જપ્ત કરીને તપાસ શ કરી છે. પ્રાથમિક તપાસમાં વટવાની કંપનીમાં આ જથ્થો ભીવંડીથી મોકલાયો હતો. આ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મિથેનોલ કે ઇથેનોલ આલ્કોહોલ હોવાની શક્યતા હોવાથી એફએસએલનો રિપોર્ટ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે બાપુનગર નગરવેલ રોડ પર ગુજરાત બોટલીંગ ચાર રસ્તા પાસે આવેલા સમોલસ્કેલ ઇન્ડ્ર્સ્ટીઝમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં કેમિકલનો શંકાસ્પદ જથ્થો લવાયો છે. જેના આધારે પોલીસે તપાસ કરતા પોલીસને ૧૦ બેરલ કેમિકલ મળી આવ્યું હતું. જે ભીવંડીથી વટવા જીઆઇડીસીમાં આવેલી એક ફેક્ટરીમા મોકલવાનો હતો. આ અંગે પોલીસે વટવા સ્થિત કંપનીના સંચાલકની પ્રાથમિક પુછપરછ કરતા આ કેમીકલનો જથ્થો મિથેનોલનો હોવાનું સ્વીકાર્યું છે. જો કે તેની પાસે કેમીકલ રાખવા અંગે કોઇ લાયસન્સ ન હોવાનું જાણવા મળ્યું છે. એસએમસીના ડીવાયએસપી કે ટી કામરીયાએ જણાવ્યું કે આ કેમીકલનો ઉપયોગ ઇન્ડ્સ્ટ્રીઝમાં થાય છે. પરંતુ, જથ્થો મંગાવનાર પાસે લાયસન્સ હોવાનું ખુલ્યું છે. સાથે સાથે જથ્થો મિથેનોલ કે ઇથેનોલ આલ્કોહોલનો હોવાની શક્યતા છે. જેથી તપાસ માટે હાલ એફએસએલની મદદ લેવામાં આવી છે. જો આ કેમિકલ ઇથેનોલ કે મિથેનોલ આલ્કોહોલ હશે તો ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત,આ કેમિકલ મોકલનાર ભીવંડીની કંપનીમાં પણ તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઇથેનોલ અને મિથેનોલ કેમીકલનો ઉપયોગ અગાઉ ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ અને વર્ષ ૨૦૨૨માં ધંધુકા અને બોટાદમા ંથયેલા કેમિકલ કાંડમા ંથયો હતો. જેમાં અમદાવાદ નારોલ સ્થિત એમોસ કંપનીમાંથી કેમિકલનો જથ્થો લઇ જઇને તેનો ઉપયોગ કેમીકલ કાંડ માટે થતા અનેક લોકોના મોત નીપજ્યા હતા. એમોસ કંપની પાસે કેમિકલનું લાયસન્સ હોવા છતાંય, તેનો દુરઉપયોગ કરાયો હતો. જ્યારે વટવા જીઆઇડીસી સ્થિત કંપની પાસે લાયસન્સ પણ નથી. જેથી આ મામલો વધુ ગંભીર બની શકે તેમ હોવાની શક્યતાને આધારે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.