Get The App

ટેન્કરમાંથી ગેરકાયદે કેમીકલની ચોરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું

ઓઢવ એસપી રીંગ રોડ પર એસએમસીની ટીમના દરોડા

પોલીસે કોસ્ટીક સોડાના કેમીકલના જથ્થા સાથે ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોની ધરપકડઃ કેમીકલ કાઢ્યા બાદ ટેન્કરમાં પાણી ઉમેરતા હતા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ટેન્કરમાંથી ગેરકાયદે કેમીકલની ચોરી કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું 1 - image

અમદાવાદ,મંગળવાર

શહેરના ઓઢવ રીંગ રોડ પર આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉન પર સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદે કેમીકલ ચોરી કરીને બારોબાર વેચાણ કરવાના કૌભાંડને ઝડપીને ટેન્કર સર્વિસના માલિક સહિત ચાર લોકોને રૂપિયા ૪૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગરથી ટેન્કરમાં કોસ્ટીક સોડાનો જથ્થો લઇને અમદાવાદ સપ્લાય કરવામાં આવે તે પહેલા તેને ગોડાઉનમાં લાવીને કેમીકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એસએમસીના અઘિકારીઓએ દરોડો પાડયો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે ટી કામરિયાને બાતમી મળી હતી કે ઓઢવ એસ પી રીંગ રોડ પામ હોટલ પાસે આવેલા એક ટેન્કર સર્વિસના ગોડાઉનમાં કેમીકલ ભરેલા ટેન્કર લાવીને તેમાંથી સીલ તોડીને તેમાંથી ચોરી કરીને બારોબાર વેચાણ કરવામાં આવે છે. જેના આધારે સોમવારે રાતના સમયે દરોડો પાડયો ત્યારે  સ્થળ પરથી  એક ટેન્કરમાંથી કેમીકલ અન્ય   કેરબામાં ભરવામાં આવી રહ્યું હતું.   આ અંગે પોલીસે ટેન્કર સર્વિસના માલિક સુખદેવસિંહ મહાર (નીલમાબાર્ક, વિજય ચાર રસ્તા, નવરંગપુરા), ટેન્કરના ડ્રાઇવર અજય ચોરસિયા, કેમીકલને કાઢવાની કામગીરી કરતા મહેન્દ્રસિંહ ભદોરિયા (ઇશ્વરલીલા પાર્ક,સીટીએમ) અને સુભમ દુબે ( શીવ બંગ્લોઝ, સીંગરવા)ને ઝડપી લીધા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવનગરથી કોસ્ટિક સોડાનો જથ્થો લઇને અમદાવાદ આવ્યા બાદ ટેન્કરને  ધર્માજી ટેક્ષટાઇલ નારોલ મોકલવાનું હતું.

પરંતુ, ત્યાં કેમીકલ સપ્લાય કરતા પહેલા તેને ગોડાઉન પર લાવીને સીલ તોડીને તેમાંથી પ મેટ્રીક ટન કોસ્ટિક સોડાનો જથ્થો કાઢીને તેની સામે ટેન્કરમાં પાણી ઉમેરવાનું હતું. આમ, સુખદેવસિંહ મહાર આ કૌભાંડ છેલ્લાં ઘણા સમયથી આ કૌભાંડને ચલાવી રહ્યો હતો. આ કેમીકલનો જથ્થો  જીગ્નેશ પટેલ નામના વ્યક્તિને પ્રતિ લીટર રૂપિયા ૧૫ના ભાવે વેચાણ આપવાનું નક્કી કરાયું હતું. આ અંગે પોલીસે ત્રણ ટેન્કર, કાર અને કેમીકલ સહિત કુલ ૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Google NewsGoogle News