ક્રિકેટ સટ્ટો રમવા માટે માસ્ટર આઇડી તૈયાર કરનાર બુકી પાર્થ દોશી ઝડપાયો
માધુપુરાના રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ કૌભાંડનો મામલો
ભારતમાં અનેક મોટા બુકીઓ માટે દુબઇમાં રહી કામ કરતો હતોઃ માસ્ટર આઇડી દ્વારા કરોડો રૂપિયાનું ક્રિકેટ સટ્ટા બેટિંગ આચરવામાં આવ્યું હતું
અમદાવાદ,શનિવાર
શહેરના માધુપુરામાંથી ઝડપાયેલા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીંગના કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાર્થ દોશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કરોડો રૂપિયાના સટ્ટાના કૌભાંડમાં ઉપયોગમાં લેવામાં આવેલા માસ્ટર આઇડી પાર્થ દોશીએ દુબઇથી પુરા પાડયા હતા. મુળ સુરેન્દ્રનગરનો વતની પાર્થ દોશી છેલ્લાં ઘણા વર્ષોથી દુબઇમાં મોટા બુકીઓ માટે કામ કરતો હતા. તેના વિરૂદ્ધમા પોલીસે એલઓસી ઇસ્યુ કરી હતી. જેમાં અમૃતસર એરપોર્ટ પર આવતા ઝડપાઇ ગયો હતો. આમ, માધુપુરા સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધી ૩૫ જેટલા આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે.માધુપુરામાં પીસીબીએ દરોડો પાડીને ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડીગના કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો. જો કે આ કેસમાં તે સમયના પીસીબીના પીઆઇ તરલ ભટ્ટની શંકાસ્પદ કામગીરીને પગલે સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલને સોંપવામાં આવી હતી. આ કેસમાં પોલીસે અગાઉ ધવલ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી. જેની પાસેથી મુખ્ય આરોપીઓ ક્રિકેટ સટ્ટા બેટિંગ માટેના આઇડી લીધા હતા. ધવલ પટેલની પુછપરછમાં માહિતી મળી હતી કે દુબઇમાં રહેતા પાર્થ દોશી નામના બુકીએ તેને ત્રણ માસ્ટર આઇડી પુરા પાડયા હતા. જે આઇડીને આધારે ધવલ પટેલે જીગ્નેશ પટેલને ૧૫ ટકાની ભાગીદારીથી આપ્યા હતા. જેના આધારે સમગ્ર ક્રિકેટ સટ્ટો રમાડવામાં આવતો હતો. મુળ સુરેન્દ્રનગર સરદાર સોસાયટી રોડ સંગમ સોસાયટીમાં રહેતો પાર્થ દોશી વર્ષોથી દુબઇમાં સેટ થઇને બુકીઓ માટે કામ કરતો હતો. જેના આધારે પોલીસે તેના વિરૂદ્ધ લુક આઉટ સરક્યુલર ઇસ્યુ કર્યો હતો. જેને શુક્રવારે અમૃતસર એરપોર્ટ પરથી ઝડપીને પંજાબ પોલીસે સ્ટેટ મોનીટરીંગ સેલને હવાલે કર્યો હતો. પોલીસે પાર્થ દોશીના ચાર દિવસના રિમાન્ડ મેળવીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગ કેસમાં અત્યાર સુધીમાં પોલીસે ૩૫ આરોપીઓની ધરપકડ કરી છે.