વીજ કંપનીઓએ સરકારના 'સ્માર્ટ વીજ મીટર'નું સપનું રોળી નાખ્યું, 8 વર્ષે પણ લક્ષ્ય અધૂરું
Smart Electricity Meter: રાજ્ય સરકારે ચાર વીજ વિતરણ કંપનીઓ સાથે પરામર્શ કરી ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર નાંખવા નક્કી કર્યુ હતું. વર્ષ 2019ના ડિસેમ્બરના અંત સુધીમાં 8,79 લાખ સ્માર્ટ વીજ મીટર નાંખવા લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ખુદ વીજ વિતરણ કંપનીઓએ આ મામલે ઝાઝુ ધ્યાન આપ્યુ નહતું. પરિણામે વીજ વિતરણ કંપનીઓએ સરકારનુ સ્માર્ટ વીજ મીટરનું સપનું રોળી નાંખ્યુ હતું. જોકે, સ્માર્ટ વીજ મીટર મુદ્દે તો હજુય લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તી રહી છે, જેથી સ્માર્ટ વીજ મીટર નાંખવાનું હજુ ઠેકાણું પડ્યુ નથી.
સ્માર્ટ વીજ મીટરનો લક્ષ્યાંક સિદ્ધ થયો નહીં
વર્ષ 2017માં ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર નાંખવા આયોજન કરાયુ હતું. રાજ્ય સરકારે ઉત્તર ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત વીજ કંપની, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શ કરીને સ્માર્ટ વીજ મીટર નાંખવા નક્કી કરાયુ હતું. એવું નક્કી કરાયુ કે, 500થી વધુ યુનિટ વીજળી વાપરતાં વીજ ગ્રાહકોને શ્રેણી-1 મૂકાયાં હતાં, જ્યારે 200થી વધુ અને 500થી ઓછી યુનિટ વીજળી વાપરતાં વીજ ગ્રાહકોને શ્રેણી-2માં મૂકાયા હતાં.
ઓ પણ વાંચો: સુરતના પલસાણામાં ધો 10, 12, B.S., નેચરોપેથી ભણેલા 4 બોગસ ડૉક્ટરો ઝડપાયા
31મી ડિસેમ્બર, 2017 સુધીમાં 2.47 લાખ શ્રેણી-1ના વીજ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર લગાવવા લક્ષ્યાંક અપાયો હતો. જ્યારે 31મી ડીસેમ્બર 2019 સુધીમાં 6.32 લાખ શ્રેણી-2ના વીજ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર લગાવવા નક્કી કરાયુ હતું. આ લક્ષ્યાંકની સામે શ્રેણી-1ના 2715 અને શ્રેણી-2ના 23,333 સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા હતાં. કુલ મળીને 8,79 લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવા આયોજન કરાયુ હતું, પરંતુ માત્રને માત્ર 26 હજાર સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા હતાં.
ગ્રામિણ વિસ્તારોમાં વીજ જોડાણની સમસ્યા
કેગના રિપોર્ટમાં સ્માર્ટ વીજ મીટર મુદ્દે વીજ કંપનીઓ કેવુ લોલમલોલ વહીવટ કરે છે તેનો પર્દાફાશ થયો છે. માત્ર ને માત્ર ઉાર ગુજરાત વીજ કંપનીએ 26 હજાર સ્માર્ટ વીજ મીટર લગાવ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ વીજ વિતરણ કંપનીઓએ એકપણ સ્માર્ટ મીટર લગાવ્યુ ન હતું. વીજ કંપનીઓએ એવો પણ લૂલો બચાવ કર્યો કે, ગ્રામિણ વિસ્તારોમાં વીજ જોડાણની સમસ્યા છે પરિણામે સ્માર્ટ વીજ મીટર લગાવવા શક્ય નથી. આઠેક વર્ષ વિત્યા પછી પણ સ્માર્ટ વીજ મીટરનો લક્ષ્યાંક સિદ્ધ થયો નથી.