સ્માર્ટ સીટી અમદાવાદ શહેરમાં એક વર્ષમાં દક્ષિણઝોનમાં ૪૧૪ સહિત પાણીના એક હજાર સેમ્પલ અનફીટ
દૂધેશ્વર વોટર વર્કસ પાસે આવેલી ચાલીઓમાં જ પ્રદૂષિત પાણી આવતુ હોવાની રજૂઆત તંત્રના કાને સંભળાતી નથી
અમદાવાદ,મંગળવાર, 26 માર્ચ,2024
ઉનાળાના આરંભ સાથે અમદાવાદમાં ગરમી તેનો પ્રકોપ બતાવી રહી
છે.સ્માર્ટસીટી અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૨૩ના એક વર્ષના સમયમાં પાણીના તપાસ માટે
લેવામાં આવેલા સેમ્પલ પૈકી એક હજાર સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા. દક્ષિણ
ઝોનમાં વર્ષ-૨૦૨૩માં સૌથી વધુ ૪૧૪ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા
હતા.જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૪ સુધીના સમયમાં પાણીના લેવામા આવેલા સેમ્પલ પૈકી ૧૫૭
સેમ્પલ અનફીટ જાહેર કરવામા આવ્યા છે.શહેરના મોટાભાગના વિસ્તારોને પીવાનુ પાણી પુરુ
પાડતા દૂધેશ્વર વોટર વર્કસ પાસે આવેલી કેટલીક ચાલીઓમાં પ્રદૂષિત પાણી આવતુ હોવાની
મ્યુનિ.બોર્ડમા રજૂઆત કરાઈ હતી.આમ છતાં આ ફરિયાદ હજુ સુધી મ્યુનિ.તંત્રના
અધિકારીઓના કાને સંભળાઈ નથી.
અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટીના ૫૬૨ કેસ નોંધાયા
છે.લાંભા ઉપરાંત ઈન્દ્રપુરી,
અમરાઈવાડી તેમજ રામોલ-હાથીજણ વોર્ડમાં કોલેરાનો એક-એક એમ કુલ ચાર કેસ નોંધાયા
છે.ટાઈફોઈડના ૨૦૪ તથા કમળાના ૮૫ કેસ નોંધાયા છે.જાન્યુઆરીથી માર્ચ-૨૦૨૪ સુધીમાં
૩૮૯૧૭ રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે.આ પૈકી પાણીના ૧૦૨૩ સેમ્પલનો
કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.બેકટેરીયોલોજીકલ ટેસ્ટ માટે પાણીના કુલ ૧૦૧૩૮ સેમ્પલ
લેવામાં આવ્યા હતા.આ પૈકી કુલ ૧૫૭ પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા
હતા.નોંધપાત્ર બાબત એ છે કે,
દૂધેશ્વર વોટર વર્કસ પાસે આવેલી એહમદ હુસેનની ચાલી,લાભશંકરની ચાલી, જહાંગીરની ચાલી
જેવી કેટલીક ચાલીઓમાં રહેતા લોકોને
પ્રદૂષિત પાણી મળતુ હોવાની ફરિયાદ શાહપુર વોર્ડના કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ
કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં રજૂઆત કરી છે.શહેરમાં ડેન્ગ્યૂના ૧૫,મેલેરિયાના ૯, ઝેરી મેલેરિયાનો
એક તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે.શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં પાણીના
પ્રદૂષણની ફરિયાદોનો કાયમી ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનરે પણ ઈજનેર વિભાગને
વારંવાર ટકોર કરી છે.છતાં સમસ્યા વકરી રહી છે.
વટવામાં સૌથી વધુ ૯૪ પાણીના સેમ્પલ અનફીટ
વોર્ડ અનફીટ
સેમ્પલ
બહેરામપુરા ૭૩
દાણીલીમડા ૫૪
દરિયાપુર ૪૧
ઈન્દ્રપુરી ૪૬
ખાડીયા ૪૬
ખોખરા ૪૩
લાંભા ૬૬
વટવા ૯૪
શાહીબાગ ૨૯
જમાલપુર ૧૮
નારણપુરા ૧૪
રામોલ ૧૮
નવરંગપુરા ૦૯
સ્ટેડિયમ ૧૨
સાબરમતી ૧૧