સ્માર્ટસિટી બન્યું ભુવા નગરી: અમદાવાદમાં 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Road Collapsed


Ahmedabad Road Collapsed: સ્માર્ટસિટી અમદાવાદ હવે ભુવાનગરી બની રહ્યું છે. આ વર્ષે જૂનથી શરુ થયેલા ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 44 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રએ રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો છે. છેલ્લા ચાર વર્ષના સમયમાં શહેરના વિવિધ વિસ્તારમાં કુલ 363 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 50 કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ચાર વર્ષમાં 363 ભુવાના સમારકામ પાછળ રૂ. 50 કરોડનો ખર્ચ 

અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસાના સમય સિવાય પણ રોડ ઉપર અલગ અલગ કારણથી ભુવા પડી રહ્યા છે. સ્માર્ટસિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન વહીવટીતંત્ર ભુવા શબ્દનો ઉપયોગ કરવાના બદલે બ્રેકડાઉન શબ્દનો ઉપયોગ કરે છે. વિવિધ વિસ્તારના રોડ ઉપર ભુવા મશીનહોલ, ડ્રેનેજલાઇન અથવા આર.સી.સી.ડકટમાં ભંગાણ થવાથી પડતા હોવાનુ કારણ મહદઅંશે વહીવટીતંત્ર તરફથી આગળ કરવામાં આવી રહ્યું છે. 

અસારવા બ્રિજ નીચે રેલવેની જગ્યામાં બુલેટટ્રેનની કામગીરીને કારણે લાઇનમાં ભંગાણ પડ્યું હતું. જેનું રેલવે દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ તંત્ર પાસે ડ્રેનેજલાઇન અથવા મશીનહોલમાં બ્રેકડાઉનના કારણે ભુવા પડતા અટકાવવા અંગે કોઈ ચોકકસ નીતિ નહીં હોવાના કારણે શહેરના કોઈ એક વિસ્તારમાં ભુવો પડ્યા બાદ તેના સમારકામ પાછળ ક્યારેક દસથી પંદર દિવસ સુધીનો સમય પસાર થઈ જતો હોવાના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં સતત વધારો થતો હોય છે. પરંતુ આ બાબતની તંત્ર ઉપર કોઈ અસર થતી નથી.

આ પણ વાંચો: અમદાવાદ રેલવે સ્ટેશને તસ્કર-બુટલેગરો બેફામ! દોઢ મહિનામાં ચોરીના 74, દારૂના 18, ગાંજાના 2 કેસ!

ડ્રેનેજલાઇનમાં ભંગાણના કારણે 14 ભુવા પડ્યા

આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ડ્રેનેજલાઇનમાં ભંગાણ પડવાના કારણે 14 ભુવા પડ્યા હતા. આ ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 73.12 લાખનો ખર્ચ કર્યો હતો. મશીનહોલમાં ભંગાણના કારણે 11 ભુવા પડ્યા હતા. જેના સમારકામ પાછળ રુપિયા 47.5 લાખનો ખર્ચ કરાયો હતો. અન્ય કારણથી શહેરમાં 19 ભુવા પડ્યા હતા. 44 ભુવાના સમારકામ પાછળ મ્યુનિસિપલ તંત્રે રુપિયા 1.20 કરોડથી વઘુની રકમનો ખર્ચ કર્યો હતો.

ભુવાના સમારકામની કામગીરીથી મ્યુનિસિપલ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને રાજકારણીઓને બખ્ખાં

અમદાવાદમાં દર વર્ષે નવા રોડ બનાવવા ઉપરાંત રોડ રીસરફેસ કરવા તથા વિવિધ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તેમજ રોડ ઉપર પડતાં ભુવાના સમારકામની કામગીરી પાછળ અંદાજે રુપિયા એક હજાર કરોડનો ખર્ચ મ્યુનિસિપલ તંત્ર તરફથી કરવામાં આવે છે. નવા રોડ બનાવવા કે વ્હાઇટ ટોપિંગ રોડ અથવા આઇકોનિક રોડ બનાવવા કોન્ટ્રાક્ટરોને અપાતાં વર્કઓર્ડરમાં મ્યુનિસિપલના અધિકારીઓ અને રાજકારણીઓની કોન્ટ્રાક્ટરો સાથે ટકાવારી નક્કી થયેલી જ હોય છે.

સ્માર્ટસિટી બન્યું ભુવા નગરી: અમદાવાદમાં 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો 2 - image

સ્માર્ટસિટી બન્યું ભુવા નગરી: અમદાવાદમાં 44 ભુવાના સમારકામ પાછળ 1.20 કરોડથી વધુનો ખર્ચ કરાયો 3 - image



Google NewsGoogle News