આજવામાં આખી રાત પાણીની ધીમી આવક, 213.80 ફૂટ સપાટી થયા બાદ ફરી વિશ્વામિત્રીમાં પાણી છોડાશે
Vadodara Flood: વડોદરાવાસીઓ સતત ત્રીજા દિવસે પૂરનો સામનો કરી રહ્યા છે. વડોદરાનો 50 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણી હેઠળ છે ત્યારે આજવામાથી પાણી છોડવાનુ બંધ કરવામાં આવ્યું છે. ચિંતાજનક વાત એ છે કે, આખી રાત આજવાની સપાટીમાં ધીમો પણ મકક્મ વધારો થયો છે.
મળતી વિગતો અનુસાર આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયું ત્યારે આજવાની સપાટી 213.65 ફૂટ હતી. વિશ્વામિત્રીમાં અત્યારે આજવાનું પાણી આવી રહ્યું નથી પણ આખી રાત દરમિયાન આજવામાં પાણીની ધીમી આવક ચાલુ રહી હતી. જેના કારણે આજે સવારે 11 વાગ્યે આજવાની સપાટી 213.75 ફૂટ નોંધાઈ હતી.
કોર્પોરેશનના સૂત્રોનુx કહેવું છે કે, આજવાના દરવાજા 213.80 ફૂટ પર હાલમાં તો સેટ કરાયા છે અને જો નિર્ણયમાં કોઈ ફેરફાર ના કરવામાં આવે તો 213.80 ફૂટ બાદ આજવાનું પાણી ફરી વિશ્વામિત્રીમાં ઠલવાશે. આમ બપોર બાદ ફરી એક વખત આજવાનું પાણી શહેરમાં બે કાંઠે થયેલી વિશ્વામિત્રીમાં આવી શકે છે.
પહેલેથી જ બેહાલ થયેલા વડોદરાવાસીઓની મુશ્કેલીઓ તેના કારણે વધી શકે છે. વડોદરાને હવે કુદરત જ બચાવી શકે તેવી સ્થિતિ છે.