ભૂસ્ખલન બાદ સિક્કિમમાં ફસાયેલા બધા ગુજરાતી પ્રવાસીઓનું સફળ રેસ્ક્યૂ, સલામત સ્થળે ખસેડાયા
Sikkim Landslide news | સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. આ ઘટના દરમિયાન નજીકના લાચુંગ ગામ ખાતે દેશભરના અનેક પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. આ મામલે ગુજરાતના પ્રવાસીઓની સલામતી તથા તેમની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશો પર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા સિક્કિમ રાજયના વહીવટી તંત્ર સાથે સતત સંકલન બાદ બચાવ અભિયાન ચલાવાયું હતું.
30થી વધુ ગુજરાતીઓ સુરક્ષિત
સિક્કિમના વહીવટી તંત્ર તરફથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ગુજરાતના આશરે 30થી વધુ પ્રવાસીઓ લાચુંગ ગામ ખાતે અલગ-અલગ હોટલમાં રોકાયેલા હોવાથી ત્યાં ફસાયેલા હતા. ગુજરાતી પ્રવાસીઓની સલામતી અને સુરક્ષા માટે રાજ્ય સરકારના પ્રયાસો થકી તમામ પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં લાચુંગ ગામે કોઈ ગુજરાતી પ્રવાસી ફસાયેલો નથી અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. આ ઉપરાંત ગુજરાતના ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ પૈકીના કેટલાક પ્રવાસીઓ ગુજરાત પરત ફર્યા છે.