Get The App

ભાજપ સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ડખાં, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકમાં વિલંબના સંકેત

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ભાજપ સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ડખાં, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકમાં વિલંબના સંકેત 1 - image


BJP Gujarat: ઉતરાયણ પહેલાં ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થાય તેમ છે. જો કે, સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ખેંચતાણ જામી છે. ત્યારે હજુ કોને શહેર-જિલ્લા પ્રમુખની કમાન સોંપવી તે મુદ્દે સર્વસંમતિ સધાઈ શકી નથી. આ કારણોસર ભાજપ શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂંકમાં એકાદ-બે દિવસનો વિલંબ થઈ શકે છે.

ભાજપ શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે 1 હજારથી વધુ મૂરતિયાઓએ દાવેદારી નોંધાવી

નગરપાલિકા, પંચાયતની ચૂંટણી અગાઉ ભાજપે નવુ સંગઠન રચના તૈયારીઓ આદરી છે. ભાજપ શહેર-જિલ્લા પ્રમુખપદ મેળવવા માટે એક હજારથી વધુ મૂરતિયાઓએ દાવેદારી નોંધાવી છે. એક-એક શહેર અને જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એવુ જાણવા મળ્યુ છે કે, અમદાવાદ શહેરમાં ધારાસભ્ય અમિત શાહને ફરી પ્રમુખપદ માટે રિપીટ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. આમ છતાંય મજબૂત દાવેદારો પ્રમુખપદ મેળવવા લોબિંગ કરી રહ્યાં છે.

આ પણ વાંચો:ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવતા IT વિભાગના અધિકારીઓ પણ ફફડી ગયા


હાઈકમાન્ડની લીલીઝંડી બાદ નામોની જાહેરાત

આ વખતે સંગઠનમાં હોદ્દો મેળવવા ભારે ખેંચતાણ જામી છે. ધારાસભ્યથી માંડીને સાંસદો, નેતાઓએ સંગઠનમાં પોતાના માણસો ગોઠવવા છેલ્લી ઘડીની વગ લગાડી દીધી છે. હવે કોનુ નામ જાહેર થાય તેની રાહ જોવાઈ રહી છે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરીને પેનલોની યાદી લઈને ભાજપ પ્રદેશ નીરીક્ષકો દિલ્હી પહોંચ્યાં છે. હાઈકમાન્ડ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. એવી માહિતી મળી છે કે, પ્રદેશ નીરીક્ષકોનો દિલ્હીનો પ્રવાસ લંબાયો છે તે જોતાં હજુ શહેર-જિલ્લા પ્રમુખના નામોની નિમણૂંકમાં એકાદ બે દિવસનો વિલંબ થાય તેમ છે. હાઈકમાન્ડની લીલીઝંડી મળતાં જ સતાવાર ઘોષણા કરવામાં આવશે. ઉતરાયણ બાદ ગુજરાતને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવ ઉતરાયણ પછી ગમે તે ઘડીએ ગાંધીનગર આવી શકે છે.

ભાજપ સંગઠનમાં હોદ્દો મેળવવા આંતરિક ડખાં, શહેર-જિલ્લા પ્રમુખની નિમણૂકમાં વિલંબના સંકેત 2 - image



Google NewsGoogle News