ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડી લાવ્યા હતા, જાણો કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર
Shree Swaminarayan Temple Vadtal VadtalDham History : પ્રસિદ્ધ વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની માનવામાં આવે છે. વડતાલના મંદિરના નિર્માણ વખતે ખુદ સ્વામિનારાયણ ભગવાન ઈંટો ઉપાડીને લાવ્યા હોવાનું કહેવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે બન્યું હતું વડતાલના મંદિર અને શું છે તેનો ઈતિહાસ.
એવું કહેવામાં આવે છે કે, સંવત 1872માં શ્રીહરિ વડતાલ આવ્યાં ત્યારે ભક્તોએ મહારાજના કહેવાથી પોણાચાર વિઘા જમીન મંદિર બનાવવા માટે ભેટમાં આપી હતી. એ વખતે શ્રીહરિએ કહેલું કે, આ જમીન પર વિશાળ મંદિર બનાવીશું, જેથી હજારો નર-નારીઓ અહીં સુખેથી ભજન કીરતન કરી શકે. કેરીયાવી ગામના ગોવિંદરામ જોષીને બોલાવી શિલારોપણ વિધિ માટે ચૈત્રસુદ તેસરનું મુર્હુત કઢાવ્યું હતું. આ પછી બ્રહ્માનંદ સ્વામીએ મંદિરની તૈયારી શરુ કરી હતી. જ્યારે સંવત 1878માં શ્રીહરિ ચૈત્રી સમૈયો કરવા વડતાલ પધાર્યા ત્યારે હજારો હરિભક્તો આવ્યાં હતા, જેમાં વડતાલના આગેવાન ભક્તો જોબનપગી, બાપુભાઈ નારાયણગિરી સહિતના મહાનુભાવો શ્રીહરિને મળ્યાં.
સ્વામીનારાયણ ભગવાને માથા પર ઈંટો ઉપાડી હતી
વિશ્વવિખ્યાત વડતાલના મંદિરનો પાયો સંવત 1878ના ચૈત્ર સુદ 13ના શુભદિને નાખવામાં આવ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાને વેદોક્ત વિધિ પ્રમાણે શિલારોપણની પાંચ ઈંટો રાખીને ખાતપૂજન કર્યું. આ પ્રસંગે મુક્તાનંદસ્વામી, ગોપાળાનંદ સ્વામી, સદગુરૂઓ સહિત સંપ્રદાયના આગેવાન ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નિર્માણ વખતે નવ લાખથી વધુ ઈંટનો ઉપયોગ કરાયો અને નવ શિખિર બનાવાયાં, ત્યારે સ્વામીનારાયણ ભગવાને પોતાના માથા પર ઈંટો ઉપાડી હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે.
ભગવાને આપ્યો હતો લિડરશિપનો સંદેશ
ભગવાને પોતે ઈંટો માથા પર ઉચકી મંદિર બનાવવામાં શ્રમદાન કરી લિડરશિપનો પણ સંદેશ આપ્યો હતો. જો લિડર પોતે આ રીતે કામ કરી શકે તો અન્ય લોકો કેમ નહીં તેવો ઉમદા ભાવ રજૂ કરવાનો પ્રયાસ કરાયો હતો. ભગવાનને ઈંટો ઉચકતા જોઈ સેંકડો લોકો પણ મંદિર નિર્માણના કાર્યમાં જોડાયા અને શ્રમદાન કર્યું. જેના કારણે આટલું વિશાળ વડતાલનું મંદિર ફક્ત બે વર્ષમાં જ બનીને તૈયાર થઈ ગયું હતું. નહીં તો આટલું ભવ્ય મંદિર બનતા અનેક વર્ષ થઈ ગયા હોત.
આ પણ વાંચો : શંખનાદ સાથે વડતાલ દ્વિશતાબ્દી મહામહોત્સવનો થયો પ્રારંભ, દેશ-વિદેશથી ઉમટ્યા હરિભક્તો
મંદિરમાં વિવિધ 18 મૂર્તિઓની સ્થાપના કરાઈ
સ્વામીનારાયણ ભગવાને મંદિરના શિખર અને અલગ-અલગ ખંડ ખાતે શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ-ભક્તિમાતા, વાસુદેવ, વરાહ નરાયણ, નૃસિંહ નારાયણ, શ્રીશેષશાયીનારાયણ, સૂર્યનારાયણ અને મત્સ્ય નારાયણ, ગણેશ, મહાદેવ, પાર્વતીજી સહિતની વિવિધ 18 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, સ્વામીનારાયણ ભગવાને સંવત 1881 કારતક સુદ બારસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં અગીયાર સ્વરૂપો ધારણ કરીને એકસાથે અગીયાર જગ્યાએ મૂર્તિ પ્રતિષ્ઠાની આરતી ઉતારી હતી.
આ પણ વાંચો : પાવાગઢ જવાનો પ્લાન હોય તો આ વાંચી લેજો, આવતીકાલે સાંજથી બંધ થશે મંદિરના દ્વાર, જાણો કેમ
વડતાલના પ્રસાદીના સ્થળોમાં વડતાલમા વડેઉ માતા, સોનારકુઇ, જ્ઞાનબાગ-બેઠક, નારાયણમોલ, શ્રીહરિ મંડપ, સંતોની ધર્મશાળા, પ્રદક્ષિણાની છત્રી, પ્રસાદીનો ગાદીવાળો મેડો, વિશાળ સભા મંડપગોપી તળાવ, તાડણ તળાવ, ધના તળાવ -ચંદન તલાવડી, ગંગાજળીયો કુવો, જ્ઞાનકુવો, સુંદરપગીનો કુવો, પ્રસાદીના ખોડિયારમાતા, અક્ષર ભુવન, પ્રસાદીનો બુરજ છે.