Get The App

22 વર્ષ પહેલા પિતાની જે રીતે હત્યા થઈ હતી, એજ રીતથી પુત્રએ લીધો બદલો, એક સવાલથી ઉકેલાયો ગુનાનો ભેદ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
Bodakdev accident case


Bodakdev Accident Case : અમદાવાદ શહેરના બોડકદેવમાં આવેલા જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે બે દિવસ પહેલા એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં વાહનચાલકે સાઇકલ પર જતા તખતસિંહ નામના વ્યક્તિને અડફેટે લઇને મોત નીપજાવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ સામાન્ય અકસ્માતની ઘટના જણાતી હતી. પરંતુ, પોલીસને શંકા જતા અકસ્માત કરનાર આરોપી ગોપાલસિંહની પૂછપરછ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક તખતસિંહે 22 વર્ષ પહેલા ગોપાલસિંહના પિતાની પણ આ રીતે જ જીપથી ટક્કર મારીને હત્યા કરી હતી. જેથી બદલો લેવા એ રીતે જ તખતસિંહને મોતને ઘાટ ઉતાર્યા હતા. આમ, પોલીસ અધિકારીઓ સ્તબ્ધ રહી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

શરૂઆતમાં માર્ગ અકસ્માત ગણીને કાર્યવાહી શરૂ કરાઈ હતી

આ સમગ્ર બનાવની વિગતો એવી હતી કે ગત મંગળવારે સવારના 10 વાગ્યે 50 વર્ષીય તખતસિંહ અર્જુનસિંહ ભાટી (રહે. ટાઇટેનીયમ સ્કેવર ટાવર, થલતેજ) નોકરી પર સાઇકલ પર જતા હતા ત્યારે બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસેના રસ્તા પાછળથી એક બોલેરો જીપના ચાલકે ટક્કર મારતા તે નીચે પટકાયા હતા અને સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ નાસી રહેલા જીપ ચાલક ગોપાલસિંહ ભાટીને સ્થાનિક લોકોએ ઝડપી લીધો હતો. આ અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. જેમાં પ્રાથમિક રીતે માર્ગ અકસ્માત ગણીને કાર્યવાહી કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં 1,903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરાશે, જાણો ઉમેદવારો કેવી રીતે અને ક્યારે ભરી શકશે ફોર્મ

પોલીસને શંકા જતા પૂછપરછ કરાઈ, જેમાં ભાંડો ફૂટ્યો

જો કે આરોપી કારચાલક ભાટી અટક હતી અને રાજસ્થાનનો હતો. જ્યારે મૃતક પણ રાજસ્થાનના વતની હતા. જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. ગોહિલને શંકા જતા તેમણે ગોપાલસિંહની પૂછપરછ કરતા તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે તેણે વાહનથી અકસ્માત ભૂલથી નહીં પણ તખતસિંહની હત્યા કરવા માટે જ વાહનની ટક્કર મારી હતી.

પિતાની હત્યાનો બદલો લીધાનું આરોપી ગોપાલસિંહે કબૂલ્યું

ગોપાલસિંહે વધુમાં કબૂલ્યું હતુ કે, 22 વર્ષ પહેલા તખતસિંહે વાહન અથડાવીને ગોપાલસિંહના પિતા હરિસિંહ ભાટીની રાજસ્થાનના જેસલમેર આવેલા તેમના બડોડા ગામમાં હત્યા કરી હતી. ત્યારે હરિસિંહ ભાટી સાઇકલ લઇને જ જતા હતા. જેથી તેણે નક્કી કર્યું હતું કે તે પોતાના પિતાની હત્યાનો બદલો પણ આ રીતે જ લેશે અને તે અવારનવાર અમદાવાદ આવીને તક શોધતો હતો. ગત મંગળવારે સવારે તેણે હત્યા કરવા માટે જ્ઞાનબાગ પાર્ટી પ્લોટનો રસ્તો પસંદ કર્યો હતો કે કારણ ત્યાં કોઇ ખાસ અવરજવર રહેતી નથી. આમ, જ્યારે તખતસિંહ સાઇકલ લઇને જતા હતા ત્યારે તેણ તેમને મોતને ઘાટ ઉતારી બદલો લીધો હતો. આ સમગ્ર બનાવ જાણીને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. આ અંગે પોલીસે આરોપીની વધુ પુછપરછ શરૂ કરી છે.

આરોપીની બોડી લેંગ્વેજ પરથી શંકા ઉપજી હતીઃ પીઆઇ 

આ સમગ્ર કેસનો ભેદ ઉકેલનાર એન ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ. ગોહિલે જણાવ્યું કે, સામાન્ય રીતે માર્ગ અકસ્માતના કેસમાં ઝડપાયેલા આરોપીઓ થોડા ગભરાયેલા હોય છે. પરંતુ, ગોપાલસિંહના ચહેરાના ભાવ સામાન્ય હતા. બીજી તરફ રાજસ્થાનથી તે કયા કામથી અમદાવાદ આવ્યો ? તે અંગે ચોક્કસ ખુલાસો કરી શક્યો નહોતો. એટલું જ નહીં મૃતક અને અકસ્માત સર્જનાર આરોપીની અટક અને વતન પણ સરખા હતા. જેથી શંકા વધુ મજબુત બની હતી. જેના આધારે અકસ્માતના સીસીટીવીની આસપાસના સીસીટીવી જોયા ત્યારે તે તખતસિંહની રાહ જોઇને જીપને લઇને ઉભો જોવા મળ્યો હતો. આમ, ગોપાલસિંહે હત્યાનું કાવતરું ઘડ્યાનું સ્પષ્ટ થતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં પ્રવાસ માટેનું નવું ડેસ્ટિનેશનઃ દિવાળી વેકેશનમાં આ જિલ્લામાં પણ માણી શકશો જંગલ સફારી

રાજસ્થાનના જુના કેસની વિગતો તપાસવામાં આવશે

રોડ અકસ્માતના કેસમાં તખતસિંહની હત્યાનો ખુલાસો થતા પોલીસે આરોપીને બોડકદેવ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી છે. સાથોસાથ પોલીસે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં 22 વર્ષ પહેલા નોંધાયેલા કેસની વિગતો મંગાવી છે.


Google NewsGoogle News