85 દિવસનો થયો મુસીબતનો મહાકાય ભુવો, અમદાવાદના શેલાના લોકો માટે ક્યારે ખુલશે 'રાહત'નો રસ્તો
Pothole In Shela, Ahmedabad: સ્માર્ટ સિટી અને આઇકોનિક રોડ બનાવી અમદાવાદને સિંગાપોર સાથે સરખાવવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળ ફક્ત દેખાડા પૂરતા પ્રયાસ કરે છે. તેનો એક નમૂનો છે અમદાવાદના શેલા વિસ્તારમાં પડેલો મહાકાય ભુવો. લોકો માટે માથાના દુ:ખાવા સમાન આ ભુવો પડ્યાને 85 દિવસ થઈ ગયા છે છતાં હજુ સુધી તેનું સમારકામ નથી થયું. લાગે છે કે મુખ્યમંત્રી, ધારાસભ્યો અને નેતાઓ પોતાના રાજકીય પક્ષના સભ્યોની સંખ્યાનો વિક્રમ બનાવવાના અભિયાનમાં વ્યસ્ત છે.
સ્થાનિકો ફરિયાદ કરીને થાક્યા, તંત્રનું ભેદી મૌન
નોકરી-ધંધો કે રોજબરોજની દોડધામ અને પળોજણમાં વ્યસ્ત પ્રજાએ શરુઆતમાં ઘણો વિરોધ કર્યો, પરંતુ હવે એ પણ વિરોધ કરીને થાકી ગઈ છે. પરંતુ પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી. આ ભુવો ક્યારે પૂરાશે, માર્ગ ક્યારે ખોલવામાં આવશે એ માટે શેલાવાસીઓ અને દુકાનદારોએ ઔડામાં રજૂઆત કરી છે. ધારાસભ્યને રૂબરૂ આવેદનપત્ર આપવામાં આવ્યું છે પણ બધા ભેદી રીતે મૌન છે.
'ઔડા'નું 76 દિવસ પછી પણ મૌન
શેલા-બોપલ જેવા વિસ્તારને અમદાવાદ શહેરમાં ભેળવી દેવાયા છે. પરંતુ રોડ, રસ્તા, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો સંપૂર્ણ અભાવ છે. શેલાના ક્લબ ઓ સેવન રોડ ઉપર 30મી જૂને મસમોટો ભુવો પડ્યો હતો. ભુવાના કારણે આ માર્ગ 45 દિવસ બંધ રહેશે એવું જાહેરનામું ઔડાએ નવમી જુલાઈએ જાહેર કર્યું હતું. પરંતુ ભુવો પડ્યાને આજે 85 દિવસ થયા, છતાં હજુ ભુવો પૂરી રસ્તો કાર્યરત નથી કરાયો.
વૈકલ્પિક રોડ પર ભારે ટ્રાફિક જામ
વૈકલ્પિક રોડ 'વીઆઇપી'ના નામે ઓળખાય છે જે જૂન મહિનામાં ચોમાસાના આગમન પહેલાં જ ખોદી-સમારકામ કે નવો બનાવી નાખવામાં આવ્યો છે. એટલે એના ઉપર 24 કલાક ટ્રાફિક જામ જોવા મળે છે. અન્ય વૈકલ્પિક રોડ પણ ચોમાસાના કારણે તૂટી ગયા છે. ખાડાં વધારે છે અને સુગમ માર્ગ ઓછો.
કોઈને લાભ, કોઈને નુકસાન પહોંચાડવાનો કારસો?
ચર્ચા એવી પણ થઈ રહી છે કે, ભુવાના કારણે માર્ગ બંધ થવાથી અમુક બિલ્ડરોની અન્ડર કન્સ્ટ્રકશન સ્કીમને નુકસાન થાય અને આસપાસના વિસ્તારોના અન્ય બિલ્ડરોને ફાયદો થાય એટલે તે રોડ ખોલવામાં આવતો નથી. આ માહિતી અંગે સત્તાવાર રીતે કોઈ બોલવા તૈયાર નથી પણ તર્ક ખરેખર સાચો જણાય છે. જે માર્ગ ઉપર અવર-જવર શક્ય છે તેની હાલત પણ કાચા માર્ગ જેવી છે. ક્લબમાં હમણાં કોઈ કોન્કલેવ કે સેમિનાર નથી એટલે મંત્રીઓની અવર-જવર નથી એનો લાભ પણ ભેદી રીતે ઔડાનું નીંભર તંત્ર ઊઠાવી રહ્યું છે.
આ પણ વાંચો: દેશના સૌથી ધનિકમાં અદાણી નં. 1, પરંતુ કોર્પોરેટ ટેક્સ ભરતી ટોપ 10 કંપનીમાં અદાણીની એકેય નહીં
અડધા લાખની વસ્તીને હાલાકી યથાવત્
સૌથી મહત્ત્વની વાત છે કે આ વિસ્તારમાં એશિયન ડેવલપમેન્ટ બૅન્કની સહાયથી એક મોટી સુએજ લાઇન નાખવામાં આવી રહી છે. ભુવો પડતાં એ કામ અટકાવી દેવાયું છે. પરંતુ એ કામ ફરી શરુ થશે ત્યારે ફરી ખોદકામ થશે અને રોડ બિસ્માર બની જશે એ નક્કી છે. આ સ્થિતિમાં અહીં વસવાટ કરતી અડધા લાખની વસ્તીને હજી ખુવાર થવાનું છે.
ગામના કુવા જેવડો શહેરમાં ભુવો!
શહેરના પોશ અને વિકસતા વિસ્તારની આવી હાલત જોઈ ગામડાના લોકો પણ વિચારતા હશે કે, 'શહેરમાં તો તેમના ગામના કુવા જેવા તો ભુવા પડે છે. એના કરતાં તો આપણું ગામડું સારું'. રોષે ભરાયેલા કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહી દીધું કે, જો આ વિસ્તારમાં પ્રધાનમંત્રી મોદી આવવાના હોત કે પસાર થવાના હોત તો ભુવો તાત્કાલિક પૂરીને રસ્તો બનાવી દેવાયો હોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ મુલાકાત સમયે જીએમડીસી ગ્રાઉન્ડ પરના 132 ફૂટના રિંગરોડનું 24 કલાકમાં સમારકામ થઈ શકે તો 85 દિવસમાં શેલાનો ભુવો કેમ ન ભરાઈ શકે તેવી ચર્ચા થઈ રહી છે.