અમદાવાદમાં મહિલા પોલીસ જ અસલામત! આનંદનગર પોલીસ સ્ટેશનની 'સી' ટીમને લુખ્ખા તત્ત્વોએ આંતરી, પોલીસની લેવી પડી મદદ
Ahmedabad Police: અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષા માટે નિર્ભયા પ્રોજેક્ટ, સીટી સેફ પ્રોજેક્ટથી સજ્જ હોવાના મોટા દાવા કરે છે. પરંતુ, હકીકત એ છે કે ખુદ મહિલા પોલીસ જ સુરક્ષિત નથી. શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકરબા ફાટક નજીક સી-ટીમના બે લોકરક્ષક દળના મહિલા જવાનો નિર્ભયા પ્રોજેક્ટના સીસીટીવી કેમેરા તપાસવા માટે જતા હતા, ત્યારે વાનમાં આવેલા ચાર લુખ્ખાઓએ રસ્તામાં તેમને આંતરીને ધમકી આપી હતી. છેવટે મહિલાઓ પોલીસ સ્ટાફે મદદ માટે પોલીસની મદદ લીધી હતી. ત્યારે પોલીસના સબસલામત હોવાના દાવાને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે.
પોલીસ સ્ટેશનની હદમાં અગાઉ પણ મહિલાઓ સાથે ધાકધમકી અને છેડતીના બનાવો બને છે પણ મહિલાઓ પોલીસની નિષ્ક્રિયતાથી ફરિયાદ કરતા ડરે છે.
શું બની હતી ઘટના?
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે આનંદનગર પોલીસ સ્ટેશનની સી ટીમમાં ફરજ બજાવતા એલઆરડી વર્ષાબેન, એલઆરડી વનિતાબેન અને એલઆરડી વૈશાલીબેન સોમવારે સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે આનંદનગર પોલીસ સ્ટેશનની હદમાં નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને મહિલા ઇમરજન્સી બોક્સ ચાલુ છે કે નહી? તે તપાસવા માટે મકરબા રેલવે ફાટકના રસ્તા પરથી જતા હતા.
તે સમયે એક ઇકો કાર સરકારી વાહનની પાછળ આવતી હતી. જેનો ડ્રાઇવર સતત હોર્ન વગાડતો હતો. જો કે સાઇડ આપતા વાર લાગી હતી. આ સમયે ઇકો કારના ચાલકે ઓવરટેક કરીને આગળ જવાને બદલે પોલીસની વાનને આગળ ઉભી રાખીને એક વ્યક્તિએ પોલીસને ધમકી આપી હતી કે 'તેરે બાપ કા રોડ હે...સાઇડ ક્યુ નહી દેતી.. ગાડી નહી આતી તો રોડ પે ક્યો નીકલતી હો....' સૌથી ચૌંકાવનારી બાબત એ હતી કે મહિલા પોલીસની સી ટીમનો સ્ટાફ વર્ધીમાં હતો. તેમ છતાંય, ઇકો ગાડીમાં રહેલા માથાભારે તત્ત્વોએ જાહેરમાં ધમકી આપીને પોલીસનો ફજેતો કર્યો હતો.
છેવટે મદદ માટે સી ટીમના સ્ટાફે મદદ માટે આનંદનગર પોલીસ મથકે સ્ટાફ મોકલવા માટે જાણ કરી હતી. જો કે આનંદનગર પોલીસના સ્ટાફે પોતાના સ્ટાફ માટે મદદ કરવામાં સમય લેતા પોલીસ કંટ્રોલ રૂમમાં 100 નંબર પર મદદ માંગવામાં આવતા પોલીસ આવી હતી અને કાર્યવાહી કરી હતી.
જેમાં ઇકો કારમાં જતા ચાર લુખ્ખાઓએ પોલીસનો ડર ન હોય તેમ પીસીઆર વાનના સ્ટાફ સાથે તકરાર કરી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવતા આકરી કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવતા (1) અભિષેક યાદવ, તેનો ભાઇ અર્જુન યાદવ, સંદીપ સેન (તમામ રહે.કૃષ્ણધામ ઔડા વિભાગ-1, વેજલપુર) અને સુનિલ યાદવ (રહે. શ્રીનંદનગર, વિભાગ-1, વેજલપુર)ને ઝડપીને કાર્યવાહી કરી હતી.
મહિલાઓની સુરક્ષા કરતી સી ટીમ જ અસુરક્ષિત
સી ટીમને મહિલાઓની સુરક્ષા માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં દરેક પોલીસ સ્ટેશન પ્રમાણે સી ટીમની રચના કરવામાં આવી છે. પરંતુ, આનંદનગર પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓએ લુખ્ખાઓને અસામાજીક પ્રવૃતિ કરવાનો છુટ્ટો દોર આપતા હવે સી ટીમ પણ સલામત નથી. ત્યારે અન્ય મહિલાઓની સુરક્ષા પોલીસ કઇ રીતે કરશે? તે મોટો પ્રશ્ન છે.
આ પણ વાંચો: ગુજરાતને મળ્યા 37 નવા DySP, 25 પુરુષ અને 12 મહિલા અધિકારીઓને પોસ્ટિંગ આપ્યા
આરોપીઓની વિગતો આપવામાં પીઆઇની આનાકાની
મહિલા પોલીસ સ્ટાફને ફરજ દરમિયાન ધમકી આપવાના કેસમાં ઝડપાયેલા ચારેય માથાભારે તત્વોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને ધમકી આપવા જેવા સંવેદનશીલ કેસના આરોપીઓ પોલીસ સ્ટેશનમાં પણ કોઇ ડર ન હોય તેમ વર્તન કરતા હતા. ત્યારે આરોપીઓના ફોટો માટે પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ભારાઇને કોલ કરતા તેમણે આરોપીઓને જાહેર જનતા વચ્ચે છતા ન કરવા હોય તે ઇરાદે તપાસ અધિકારીને વાત કરવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. છેવટે ડીસીપી ઝોન-૭ શિવમ વર્માએ આરોપીઓના ફોટો પહોંચતા કર્યા હતા. આમ, આનંદનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બી કે ભારાઇ ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી. જે બાબતો અગાઉ પણ સામે આવી ચુકી છે.
પોલીસની નિષ્ક્રિયતાને કારણે મહિલાઓ ફરિયાદ કરતા ડરે છે
વેજલપુરથી મકરબા તેમજ કૃષ્ણધામ ઔડાના મકાનોની આસપાસ અનેક ગેરકાયદે પ્રવૃતિ બેરોકટોક રીતે ચાલે છે. જેના કારણે આ રસ્તા પર સાંજના સમયે લુખ્ખાઓ દ્વારા સામાન્ય વાહનચાલકો અને મહિલાઓને પરેશાન કરવામાં આવે છે. પરંતુ, તેમને પોલીસનો ડર ન હોવાને કારણે મહિલાઓ જ પોલીસ ફરિયાદ કરતા ડરે છે. કારણ કે જો ફરિયાદ કરશે બાદમાં તેમને વધારે પરેશાન કરવામાં આવશે. જો કે પોલીસ માટે આ વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા કરવા કરતા માથાભારે તત્વોને સાચવવુ વઘારે મહત્વનું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.