IPOમાં ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા ૪૨ કરોડની છેતરપિંડી
રાણીપમાં રહેતા દંપતિ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો
રોકાણકારોને ૩૫ દિવસમાં નવ ટકા સુધીના વળતરની લેખિતમાં ગેંરટી આપી હતીઃ નાણાં પરત માંગતા દંપતિએ અસામાજીક તત્વોને કહી મારવાની ધમકી આપી
અમદાવાદ,શનિવાર
શહેરમાં રહેતા અને એક ઇન્વેસ્ટમેન્ટ કંપની ધરાવતા દંપતિએ આઇપીઓમાં પ્રતિ માસ નવ ટકા સુધીના વળતરની ખાતરી આપીને અનેક રોકાણકારો સાથે રૂપિયા ૪૨ કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવી છે. રોકાણકારોને વિશ્વાસ આવે તે માટે આરોપી દંપતિ કંપનીના લેટરપેડ પર લેખિતમાં ખાતરી આપતું હતું. આ સમગ્ર કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના નિકોલમાં આવેલા નરનારાયણ ડુપ્લેક્સમાં રહેતા જલ્પીનભાઇ ભીમાણીએ સીઆઇડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તે છેલ્લાં પાંચ વર્ષથી મણિનગરમાં આવેલી એક ટ્રેડીંગ એજન્સીમાં નોકરી કરતા જીગર તુલી (રહે. આશ્રય ફ્લેટ,ન્યુ રાણીપ)ના સંપર્કમાં હતા. જે શેરબજારમા રોકાણની ટીપ્સ આપતા હતા. ડિસેમ્બર ૨૦૨૧માં તેણે નોકરી છોડીને ટેનસ્કોપ મેનેજમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. જેમાં જીગર તુલી અને તેની પત્ની સપના તુલી ડીરેક્ટર હતા. તેમણે જલ્પીનભાઇને તેમની કંપનીમાં આઇપીઓ દ્વારા રોકાણ કરવાની સામે ઉંચા વળતરની ખાતરી આપી હતી.
જેમાં શરૂઆતમાં નાની રકમના રોકાણની સામે વળતર મળતા જલ્પીનભાઇને વિશ્વાસ વધ્યો હતો અને ત્યારબાદ તેમણે રોકાણની અલગ અલગ સ્કીમ અંગે સમજણ આપીને જલ્પીનભાઇ પાસે તેમજ અન્ય લોકોને લાલચ આપીને ૩૮ જેટલા રોકાણકારો પાસે વિવિધ આઇપીઓમાં ૭૪ કરોડ ઉપરાંતનું રોકાણ કરાવ્યું હતું. જો કે નક્કી કર્યા મુજબનું વળતર આપતા નહોતા. જેથી રોકાણકારોએ વળતરની માંગણી કરતા૧૨ કરોડ પરત કર્યા હતા. પરંતુ, રોકાણકારોના આઇપીઓના નફાને બાદ કર્યા પછીની ૪૨ કરોડની રકમ ચુકવી નહોતી. બીજી તરફ જ્યારે રોકાણકારોએ નાણાંની માંગણી કરી ત્યારે જીગર તુલીએ તેમને ધમકી આપી હતી. આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.