શાંતિ એશિયાટિક સ્કૂલના સંચાલકો વિરૂદ્ધ બોપલ પોલીસ ગુનો નોંધશે, FSL દ્વારા આગના સેમ્પલ લેવાયા
Shanti Asiatic School Fire Incident : અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગની ઘટનાને મોકડ્રીલ ગણાવીને ઢાંકપીછોડો કરવાની ઘટનામાં સ્કૂલના સંચાલકોની બેદરકારી સામે આવતા હવે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જેમાં જે સ્થળે આગ લાગી હતી ત્યાંથી એફએસએલના અધિકારીઓએ જરૂરી સેમ્પલ એકત્ર કર્યા હતા. બોપલ પોલીસ એફએસએલના રિપોર્ટ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલના સંચાલકો સામે ગુનો નોંધશે. જેમાં આકરી કાર્યવાહી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આદેશ આપ્યા છે.
FSLના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે : આગની ઘટના હોવા છતાંય, ઢાંકપીછોડો કરવામાં આવતા વાલીઓની આકરા પગલા ભરવા માંગ
અમદાવાદ શહેરના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગ્યાની ઘટનાને સંચાલકો દ્વારા છુપાવવામાં આવી હતી અને મોકડ્રીલ હોવાનું કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સ્કૂલના સંચાલકોએ વાત છુપાવી હોવાનું બહાર આવતા આ અંગે બોપલ પોલીસે સંચાલકો સામે અરજી નોંધીને કાર્યવાહી કરી હતી. તે પછી આ ઘટનાની તપાસના ભાગરૂપે સ્કૂલમાં જે સ્થળે આગ લાગી હતી. તે સ્થળ પરથી સેમ્પલ એકઠા કર્યા હતા. જો કે આગની ઘટના બાદ સ્કૂલના સંચાલકોએ ત્યાં કલર કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. એફએસએલના રિપોર્ટ બાદ પોલીસ સ્કૂલના જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધશે. બીજી તરફ કેટલાંક વાલીઓએ પણ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આમ, આગામી દિવસોમાં સ્કૂલના સંચાલકોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.