આગની ઘટના છુપાવવા બદલ શાંતિ એશિયાટિક સ્કૂલને દંડ, વધુ કાર્યવાહી માટે CBSEને ભલામણ

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
આગની ઘટના છુપાવવા બદલ શાંતિ એશિયાટિક સ્કૂલને દંડ, વધુ કાર્યવાહી માટે CBSEને ભલામણ 1 - image


Shanti Asiatic School : આગની ઘટના બની હોવા છતાં મોકડ્રીલમાં ખપાવી દઈને ઘટનાને છુપાવવા બદલ અંતે શાંતિ એશિયાટિક સ્કૂલને હાલ આરટીઇ એક્ટની જોગવાઈ હેઠળ ડીપીઓ દ્વારા દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. આ સ્કૂલ સીબીએસઈ હોવાથી ડીઈઓ-ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા બદલ ભલામણ કરવામા આવી છે.જેથી સીબીએસઈ દ્વારા હવે સ્કૂલને મોટો દંડ થઈ શકે છે.

હાલ દસ હજારનો દંડ કરાયો પરંતુ વઘુ પાંચ લાખનો દંડ કરાવવા સીબીએસઈને પત્ર લખાયો

અમદાવાદ ગ્રામ્યમાં સાણંદ રોડ પર આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત મહિને બપોરના સમયે શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની હતી પરંતુ આ ઘટનાને અંગે સ્કૂલે ડીઈઓ-ડીપીઓ કે કૉર્પોરેશન સહિત કોઈ પણ સત્તામંડળને જાણ કરી ન હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ આ ઘટનાને લઈને ઘરે જઈને વાલીઓને જાણ કરતાં વાલીઓ પણ મોટી સંખ્યામાં બીજા દિવસે સ્કૂલ પર પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના પગલે ગ્રામ્ય ડીઈઓથી માંડી ડીપીઓની ટીમ પણ સ્કૂલ પર પહોંચી ગઈ હતી અને પ્રાંત અધિકારીથી માંડી કૉર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ પણ આવી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી હતી.

અમદાવાદ ગ્રામ્ય ડીઈઓના આદેશથી સ્કૂલમાં જ્યાં સુધી ફાયર સેફટીનું ઓડિટ ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણનો આદેશ કરાતાં સ્કૂલમાં થોડા દિવસ વર્ગો ઓનલાઇન ચાલ્યા હતા અને સાણંદ પ્રાંત અધિકારીની ટીમ અને કૉર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા સંપૂર્ણ ઓડિટ-તપાસ કરીને ફાયર સેફ્ટીનો રિપોર્ટ અપાયો હતો. ત્યારબાદ ઓફલાઇન શિક્ષણ શરુ કરાયું હતું.પરંતુ અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને અમદાવાદ ડીપીઓ(જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) દ્વારા સંયુક્ત રીતે સુનાવણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જેમાં વિવિધ મુદ્દે સ્કૂલ પાસેથી જવાબો મંગાયા હતા. સુનાવણીને અંતે અમદાવાદ ડીપીઓ દ્વારા સ્કૂલને આરટીઈ એક્ટની જોગવાઈ મુજબ ઘટનાની જાણ ન કરવા બદલ હાલ દસ હજાર રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઓ દ્વારા સંયુક્ત રીતે સીબીએસઈને વઘુ કાર્યવાહી માટે ભલામણ કરતો પત્ર પણ મોકલાયો છે. ફાયર સેફ્ટીના સાધનો-સુરક્ષા મુદ્દે કલમ 8.1 હેઠળ પાંચ લાખ રૂપિયાનો દંડ કરવા માટે ભલામણ કરાઈ છે.આમ હવે સીબીએસઈ દ્વારા સ્કૂલને પાંચ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવી શકે છે. 


Google NewsGoogle News