હવે કદાચ રૂપાલાની ટિકિટ રદ થાય તો પણ ભાજપ માફીને પાત્ર નથી: શક્તિસિંહ ગોહિલ
Lok Sabha Elections 2024: રાજકોટ બેઠકથી ભાજપના ઉમેદાવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું હતું, કે 'ભાજપે સમાજમાં ભાગલા પાડવાનું વલણ અપનાવ્યું છે. મને એમ હતું કે આજે નહીં તો કાલે ટિકિટ રદ કરીને માફી માગવામાં આવશે પણ હવે જો રૂપાલાની ટિકિટ રદ પણ થઈ જાય તો ભાજપ માફીને પાત્ર નથી. મહિલાઓનું અપમાન કરનારની ટિકિટ પણ રદ નથી કરી રહી ભાજપ.'
શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર
એક પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપાએ 2014ની સામાન્ય ચૂંટણીમાં દેશના નાગરિકો અચ્છેદિન, બહુત હુઈ મહંગાઈ કી માર જેવા રૂપાળા અને લોભામણા સૂત્રો સાથે રોજગાર , ન્યાય સ્માર્ટ સિટી વચન-વાયદા અપાયા હતા. તેની આજે 2024માં હકીકત શું ? તેનો હિસાબ આપવાને બદલે નવા સૂત્રો અને વાયદાઓ રજૂ કરવામાં આવ્યા છે.'
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. રૂપાલા ટિપ્પણી વિવાદ વકરતાં ભાજપ તરફી ક્ષત્રિય નેતાઓની દશા કફોડી બની છે.
આ પણ વાંચો: ક્ષત્રિયોના અલ્ટિમેટમ બાદ પણ રૂપાલા મક્કમ: જનસભા અને રોડ-શો બાદ ભરશે ઉમેદવારી પત્રક