અમદાવાદનો એસ.જી. હાઈવે સ્ટંટબાજોના લીધે બન્યો જોખમી, કારની અડફેટે બે રાહદારીનાં મોત
Ahemdabad SG Highway: એસજી હાઈવેનો ઝાયડસ ચોકડીથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો રસ્તો એકપણ ચાર રસ્તા ઉપર ક્રોસિંગ ન હોવાથી સુપરફાસ્ટ હાઈવે બની ગયો હોય તેમ લોકો ફોર વ્હીલર્સ દોડાવાઈ રહ્યાં છે. આ કારણે જોખમી બની ચૂકેલાં એસજી હાઈવે ઉપર કારે બે રાહદારીઓને ઉડાવ્યાં હતા. મિત્રના પુત્રની ખબર કાઢવા આવેલા યુવકનું વૈષ્ણોદેવી સર્કલ પાસે કારની ટક્કરથી મૃત્યુ નિપજ્યું હતું. તો, ગોતા સર્કલથી આગળ એક કારે ટક્કર મારતાં બીજી કારના કાર ઉપર પડેલાં અજાણ્યા યુવકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. ગતિ નિયંત્રણની અમલવારી ન થતાં આ રસ્તો જીવલેણ બન્યો છે.
મિત્રના પુત્રની ખબર કાઢવા આવેલા યુવકનું કારની ટક્કરથી મૃત્યુ
મહેસાણામાં રહેતા દશરથભાઈ ચંદ્રકાંતભાઈ પટેલે એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મિત્ર ગૌતમભાઈ પટેલના પુત્ર વિવાનની કે.ડી. હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી મિત્રો સાથે ખબર કાઢવા આવ્યા હતા. છારોડી પાટિયા પાસે રેસ્ટોરન્ટ ખાતે જમીને દશરથભાઈ અને મિત્રો સુનિલભાઈ અને અમીતભાઈ પરત ફરી રહ્યા હતા. રાતે નવ વાગ્યાના અરસામાં વૈષ્ણોદેવી સર્કલ પાસે સુનિલભાઈ ગટરની ફૂટપાથની કિનારી ઉપર ચાલતા હતા.
આ સમયે બંધ બોડીની એક ફોર વ્હીલરે પાછળથી સુનિલભાઈને ટક્કર મારી હતી. પટકાયેલા સુનિલભાઈનું માથું ગટરની આરસીસીની બનાવેલી ફૂટપાથ સાથે અથડાયું હતું. અકસ્માત સર્જી કાર ચાલતા ત્રાગડ બાજુ નાસી ગયો હતો. માથામાં ગંભીર ઈજા થતાં સુનિલભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉ.વ. 40, રહે. વિસનગર)નું મૃત્યુ નીપજ્યું હતું. એસજી-1 હાઈવે પોલીસે વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
પુરઝડપે આવેલી કારે ટક્કર મારતા મોત નીપજ્યું
બીજા બનાવમાં રાંધેજા ખાતે રહેતા અને જગતપુર ખાતે વેબ ડિઝાઈનર તરીકે કામ કરતા મન કલ્પેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. તા. 30ના રાતે પોણા આઠ વાગ્યાના અરસામાં મની પ્લાન્ટ બિલ્ડીંગ સામે એક અજાણ્યો પુરૂષ રોડ ક્રોસ કરતો હતો તેને ગોતા તરફથી પુરઝડપે આવેલી કારે ટક્કર મારી હતી. ઉછળીને પટકાયેલો પુરૂષ બાજુમાંથી પસાર થતી કારના કાચ ઉપર પડ્યો હતો. અજાણી અને ભાગી ગયેલી કારની ટક્કરથી સરગાસણના મયંક સુરેશભાઈ કોટકની કાર ઉપર પટકાયેલાં અજાણ્યા શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું. બીજી કારના કારણે અકસ્માતનો હિસ્સો બનેલા મયંક કોટક અને ફરિયાદી મન પટેલ મૃતકને રોડની સાઈડમાં લઈ ગયાં હતાં. એસજી-1 ટ્રાફિક પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી ગયેલી કારની શોધખોળ આરંભી છે. મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે.
ત્રણ બાળકોને કારની છત ઉપર બેસાડી સ્ટંટ કરતાં ગેરેજ મિકેનીક સામે પોલીસ ફરિયાદ
ત્રણ બાળકોને જ કારની છત ઉપર બેસાડીને એસજી હાઈવે ઉપર સ્ટંટ કરતાં ગેરેજના મિકેનીક સામે એસજી-1 ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ફરિયાદી બની સરખેજમાં રહેતા મોહમ્મદ નસીમ ઉર્ફે સલીમ અમીરૂલ્લા મનસુરી (ઉ.વ. 37) સામે ગુનો નોંઘ્યો છે. લક્ષ્મી મોટર ગેરેજમાં મિકેનીક નસીમભાઈ રિપેરીંગમાં આવેલી વર્ના કારની છત ઉપર ત્રણ બાળકોને બેસાડી નવા સોલા ઓવરબ્રીજ ઉપર ઉતરતી વખતે સ્ટંટ કરતા હોવાની વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.