કાળઝાળ ગરમીની ગંભીર અસર થતાં ઓઢવ વિસ્તારની સાત દિવસની બાળકી ચાર દિવસથી વેન્ટિલેટર ઉપર
ડીહાઈડ્રેશન થવાની સાથે સોડીયમની ઉણપ હોવાથી મ્યુનિ.હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ,મંગળવાર,21 મે,2024
અમદાવાદનુ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચતા
ઓઢવ વિસ્તારમાં સાત દિવસની બાળકી ઉપર ગરમીની ગંભીર અસર થઈ છે. ડીહાઈડ્રેશન થવાની
સાથે બાળકીને સોડીયમની ઉણપ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવી હતી.ચાર દિવસથી બાળકીને વેન્ટિલેટર ઉપર રાખી સારવાર આપવામાં આવી રહી
છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, ઓઢવ વિસ્તારમાં
આવેલા ચાર માળીયા વિસ્તારમાં કાચા છાપરમાં
રહેતી મહિલાને એક સપ્તાહ અગાઉ પ્રસુતિ થઈ હતી.પ્રસુતિ દરમિયાન ત્રણ કિલોગ્રામ વજન
ધરાવતી તંદુરસ્ત બાળકીને તેણીએ જન્મ આપ્યો હતો.સાત દિવસ અગાઉ જન્મેલી બાળકીને
ગરમીની ગંભીર અસર થતા ડીહાઈડ્રેશન થવાની સાથે સોડીયમની ઉણપ હોવાથી મ્યુનિ.સંચાલિત
હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.જયાં તેની હાલત ગંભીર બનતા
વેન્ટિલેટર ઉપર રાખી સારવાર આપવામાં આવી રહી છે.