અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં છ યુવતી સહિત સાત લોકોનો સામાન ચોરાયો, કલાકની દલિલ બાદ પોલીસે નોંધી ફરિયાદ
Railway News: ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભો કરતો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના મુસાફરો અરવલ્લી એક્સપ્રેસમાં રાજસ્થાનથી સુરત પરત આવી રહ્યા હતાં, ત્યારે તેમના સામાનની ચોરી થઈ ગઈ હતી. રાજસ્થાનના રીંગસ રેલવે સ્ટેશન પાસે એ.સી કોચમાં છ યુવતી સહિત સાત યાત્રાળુઓનો સામાન ચોરી થવાની ઘટના સામે આવી હતી. ચોંકવનારી વાત તો એ છે કે જ્યારે યાત્રાળુઓ ફરિયાદ નોંધાવા ગયાં ત્યારે લગભગ એક કલાકની માથાકૂટ બાદ તેમની ફરિયાદ લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ટીબીની બીમારીથી કંટાળી દર્દીએ કરી આત્મહત્યા, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગળેફાંસો ખાધો
શું હતી સમગ્ર ઘટના?
સુરતના રીશિવિહારમાં રહેતાં અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલાં રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, 'હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો. એ.સી કોચમાં બેઠેલી યુવતીઓ અચાનક હોબાળો કરવા લાગી. બાદમાં જાણ થઈ કે, છ યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો. મેં તપાસ કરી તો જાણ થઈ કે, મારો પણ સામાન ચોરી થઈ ગયો છે. ત્યારબાદ યાત્રીઓ દ્વારા ચેઇન ખેંચી ટ્રેન રોકવામાં આવી. સમગ્ર મુદ્દે આરપીએફ જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અને અમને મદદ કરવાના બદલે અમારી સાથે જીભા જોડી કરવા લાગ્યાં'.
જીઆરપી જવાને ચોરને પકડ્યો
આ વિશે મુસાફરે વધુમાં જણાવ્યું કે, 'અમારી રજૂઆત બાદ બાદમાં જીઆરપીના જવાન દોડી આવ્યા અને તેઓએ એક ચોરને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ત્રણ બેગ જપ્ત કરાઈ છે. ત્યારબાદ અન્ય બે-ત્રણ મુસાફરોનો સામન પણ મળી આવ્યો હતો. અમે ત્યાં એફઆઈઆર નોંધાવી, જેથી અન્ય લોકોના સામાન પણ મળી શકે. જોકે, સમગ્ર મામલે શરૂઆતમાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી હતી. તેઓએ કલાક સુધી ફક્ત અમારી સાથે દલિલ કરી. ન તો અમારી ફરિયાદ નોંધી અને ન તો ચોરને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો'.