Get The App

રાજ્યમાં તહેવાર ટાણે એક સપ્તાહમાં ડૂબી જવાની સાત ઘટના, કુલ 10 લોકોના થયા મોત

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
રાજ્યમાં તહેવાર ટાણે એક સપ્તાહમાં ડૂબી જવાની સાત ઘટના, કુલ 10 લોકોના થયા મોત 1 - image


Seven Drowning Incidents In Gujarat : દિવાળી અને નવા વર્ષના તહેવાર ટાણે રાજ્યના કચ્છ, સુરત, વલસાડ, જૂનાગઢ સહિતના જિલ્લામાં આવેલા તળાવ, નદી, નહેર, કુવા અને કેનાલમાં ડૂબી-પડી જવાની છેલ્લા એક અઠવાડિયામાં સાત ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બાળકો, યુવકો, આધેડ સહિત કુલ 10 લોકોના મોત નીપજ્યા છે. 

કચ્છ: રાપરમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બેના મોત

4 નવેમ્બર : રાપરના ખેતરમાં મજૂરી કરતા મૂળ રાજસ્થાનના પરિવારના બે ભાઈ બહેન ગેડી થાનપર પાસેની નર્મદા કેનાલ પર ગયા હતા. જ્યાં તેઓ કોઈ કારણસર ડૂબવા લાગ્યા. જેની જાણ પરિવારના અન્ય લોકોને થતા બે લોકો નહેરમાં ડૂબી રહેલી સગીરા અને કિશોરને બચાવવા કેનાલમાં ઝંપલાવ્યું હતું. સમગ્ર ઘટનામાં સગીરા અને તેને બચાવવા કેનાલામાં ઝંપલાવનાર વ્યક્તિનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે, કેનાલમાં ડૂબતા સગીરને બચાવવા પડેલા શેરસિંગ બાબુભાઈ (ઉ.વ. 40) અને અનુજા કલુખાન જોગી (ઉ.વ. 17) નું મોત નીપજ્યું. જ્યારે શબીર કલુખાન જોગી (ઉ.વ. 21) અને સરફરાજ મોસમ જોગી (ઉ.વ 36) લાપતા હોવાથી પોલીસ અને સ્થાનિક લોકોએ તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી છે. આ દરમિયાન લોકોએ 108ને ફોન કરતા તેઓ દોડી આવ્યા હતા. રાપર પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી. 

રાજ્યમાં તહેવાર ટાણે એક સપ્તાહમાં ડૂબી જવાની સાત ઘટના, કુલ 10 લોકોના થયા મોત 2 - image

સુરત: માંગરોળના મહુવેજ ગામે નહેરમાં ડૂબી જવાથી એકનું મોત

4 નવેમ્બર : સુરતના માંગરોળના મહુવેજ ગામે જમાત માટે આવેલા બે યુવકો કાકરાપાર જમનાકાંઠાની નહેરમાં નહાવા પડ્યા હતા. નહેરમાં પાણી ઊંડું હોવાથી બંને યુવક ડૂબ્યા હતા, આ જોઈને સ્થાનિકોએ તેમને બચાવવાનો પ્રયાસ કરતાં એક યુવકની બચાવી લેવાયો હતો, જ્યારે અન્ય એક યુવકનું પાણીમાં ડૂબવાથી મોત થયું હતું. સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.

કચ્છ: માંડવીના દરિયામાં ડૂબી જવાથી પિતા પુત્રનું મોત

3 નવેમ્બર : કચ્છમાં માંડવીના દરિયાકાંઠે નવા વર્ષની ઉજવણી માટે ફરવા ગયેલા પિતા પુત્રનું દરિયામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું. અંજારના કિશોર ગાંગજી મહેશ્વરી અને તેમના પુત્ર ડેનિસ દરિયામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન મોજા ઉછડયા અને તેમાં ખેંચાઈ જવાથી બંનેનું મૃત્યુ થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી પિતા પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, મૃતક 37 વર્ષીય કિશન મહેશ્વરી તેમના 13 વર્ષીય પુત્ર ડેનિસ અને અન્ય ત્રણ પરિવારજનો સાથે માંડવી બીચ પર રવિવારે (3 નવેમ્બર) ફરવા આવ્યાં હતાં. ત્યારે બપોરે 4 વાગ્યાના અરસામાં દરિયામાં નહાતા હતાં. આ દરમિયાન એકાએક ડેનિસ ડૂબવા લાગ્યો હતો પુત્રને ડૂબતો જોઈને પિતા કિશન તેને બચાવવા ગયાં હતાં અને બંને પિતા પિતાનું પણ ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.

વલસાડ : ધરમપુર તાલુકાના બોપી ગામે નદીમાં ડૂબી જવાથી સગીરનું મોત

1 નવેમ્બર : ધરમપુર તાલુકાના બોપી ગામે વહેતી નદીમાં નહાવા જતાં સગીર ભાઈ-બહેન નદીના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેની જાણ રાહદારીને થતાં બાળકોને બચાવવાની કોશિશ કરી હતી. જેમાં આઠ વર્ષના ભાઈનું મોત નીપજ્યું, જ્યારે અગિયાર વર્ષની બહેનને બચાવી લેવાઈ. 

આ પણ વાંચો : દિવાળીના તહેવારોમાં માતમ: કચ્છમાં બે જ દિવસમાં ડૂબવાના કારણે ચાર લોકોના મોત, બે લાપતા

મોરબી: હળવદના વાડી વિસ્તારમાં કુવામાં પડી જવાથી સગીરાનું મોત

1 નવેમ્બર : હળવદના ધોબામાં વાડી વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરા વહેલી સવારે બહાર જતી વખતે અચાનક કુવામાં પડી હોવાની ઘટના બની હતી. જેમાં કુવામાં પાણી ભરેલું હોવાથી સગીરાનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી.

જૂનાગઢ: ચોકી સોરઠ ગામે ઉબેણ નદીમાં પડી જતા આધેડનું મોત

30 ઑક્ટોબર : શહેરના ચોકી સોરઠ ગામે રહેતા 55 વર્ષીય રમેશભાઈ વીરાભાઈ વાઘેરા રાત્રિના સમયે ગામ પાસે આવેલી ઉબેણ નદીનાં પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન શેવાળનાં કારણે પગ લપસતા ઉબેણ નદીમાં પડી જતા આધેડનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજયું. પોલીસે મૃતકના ભાઇનુ નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી.

આ પણ વાંચો : તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત

આણંદ: આંકલાવમાં બે બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત

29 ઑક્ટોબર : જિલ્લાના આંકલાવ ગામે કબીરવડ પાસે રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારના ત્રણ બાળકો તળાવના કિનારે રમતા-રમતા પગ લપસી જતા તળાવમાં ડૂબી ગયા હતા. જેની જાણ પરિવારજનોને થતા તેઓ બાળકોને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું. જેમાં ત્રણમાંથી એક ભાઈને બચાવી દેવાયો હતો, જ્યારે અન્ય બે ભાઈનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. 


Google NewsGoogle News