સેશન્સ કોર્ટે આરોપી મોહસીન સૈયદની જામીન અરજી વધુ એકવાર નકારી
મિરઝાપુરમાં યુવકની ૩૯ ઘા ઝીંકીને હત્યા કરવાનો મામલો
બાળકોની ફી અને લાઇટબીલ ભરવાનું કારણ આપીને આરોપીએ જામીન માંગ્યા હતાઃ આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને કોર્ટનો નિર્ણય
અમદાવાદ,સોમવાર
શહેરના મિરઝાપુરમાં ૧૩ મહિના પહેલા કરીમખાન સૈયદ અને તેના ત્રણ પુત્રોએ મોહમંદ બિલાલ નામના યુવકની છરીને ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. જે કેસમાં મોહસીન સૈયદ નામના આરોપીએ સેશન્સ કોર્ટમાં વધુ એકવાર હંગામી જામીન અરજી કરી હતી. જેમાં બાળકોની સ્કૂલની ફી તેમજ લાઇટબીલ જેવા ખર્ચના નાણાંનું આયોજન કરવા માટે જામીન માંગ્યા હતા. પરંતુ, આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને ફરિયાદી પક્ષ પર જીવનું જોખમ હોવાથી સેશન્સ કોર્ટે જામીન અરજી નકારી હતી. આમ, વધુ એકવાર આરોપીની જામીન અરજી નકારવામાં આવી હતી.
મિરઝાપુરમાં રહેતા મોહંમદ બિલાલ નામના યુવક પર ધંધાકીય અદાવત રાખીને કરીમખાન સૈયદ અને તેના ત્રણ પુત્ર મોહસીન, ઇમરાન અને વસીમે ગત ૩૧મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે તેના પર હુમલો કરીને છરીને એક પછી એક એમ ૪૦ જેટલા ઘા ઝીંકીને હુમલો કરીને હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચારેય આરોપીની ધરપકડ કરી હતી. આ કેેસમાં સંડોવાયેલા આરોપીઓએ અગાઉ અનેકવાર જામીન અરજી મુકી હતી. જે કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. ત્યારે મોહસીન સૈયદે ફરીથી એકવાર જામીન અરજી મુકી હતી. જેમાં તેણે કારણ આપ્યું હતું કે તે ૧૭ મહિનાથી જેલમાં છે અને તેની પત્ની તેમજ પાંચ બાળકોની છે. જે પૈકી બે બાળકોની ફી ભરવાની બાકી છે. તેમજ ઘર, દુકાનના લાઇટ બીલ તેમજ ટેક્ષબીલ બાકી છે. જેના નાણાં ભરવા માટે ૩૦ દિવસના હંગામી જામીનની જરૂર છે. પરંતુ, મોહસીને અગાઉ સાબરમતી જેલથી ફોન કરીને ફરીયાદીને ધમકાવીને સમાધાનની ધમકી આપી હતી. આ ઉપરાંત, અગાઉ પણ ધમકી મળી ચુકી હતી. જેથી ફરીયાદી પક્ષે જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે જામીન અરજી નકારી હતી.