Get The App

અમદાવાદમાં નવ મહિના દરમિયાન હત્યા, લૂંટ સહિતના ગુનાઓમાં ઘટાડો

અસામાજીક તત્વોને થતી પાસાની સજાના ૭૨૨ કેસ નોંધાયા

સાયબર ક્રાઇમ થઇ રહેલો વધારો પોલીસ માટે ચિંતાનો વિષયઃ નવી પોલીસ કમિશનર કચેરીમાં મળેલી ક્રાઇમ કોન્ફરન્સમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઇ

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં નવ મહિના દરમિયાન હત્યા, લૂંટ  સહિતના ગુનાઓમાં ઘટાડો 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં ગુનાઓને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સાથે હ્યુમન સોર્સિસની મદદથી કામગીરી કરવા ઉપરાત, અનેક ડ્રાઇવ પર પણ શરૂ કરવામાં આવી હતી. જેના પરિણામે વર્ષ ૨૦૨૩ના પ્રથમ નવ મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિના દરમિયાન હત્યા, લૂંટ, ચોરી, રાયોટીંગ જેવા ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે પોલીસ માટે હાલ ટ્રાફિકની સમસ્યા અને સાયબર ક્રાઇમના ગુનાઓમાં થઇ રહેલો વધારો પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે  ઉચ્ચ પોલીસ અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ મળી હતી. જેમાં અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપરાંત, ટ્રાફિક તેમજ અન્ય મુદ્દાઓ પર વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વર્ષ ૨૦૨૩ના જાન્યુઆરી થી સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં વર્ષ ૨૦૨૪ના પ્રથમ નવ મહિના દરમિયાન શહેરમાં હત્યા, હત્યાની કાશિષ, લૂંટ, ચોરી અને રાયોટીંગ તેમજ સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૩ની સરખામણીમાં સાયબર ક્રાઇમને બાદ કરતા મોટાભાગના ગુનાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે શહેરની ટ્રાફિકની સમસ્યા અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને વધુ સક્રિય થવા માટેની ચર્ચા કરવામાં આવી હતી.  સાયબર ક્રાઇમના ગુનાને કાબુમાં લેવા માટે પોલીસ સ્ટાફને વધુ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનાવવાની સાથે લોકોમાં સાયબર ક્રાઇમ અનુસંધાનમાં જાગૃતતા આવે તે માટે કામગીરી શરૂ કરવા માટે પોલીસ કમિશનર જી એસ મલિકે ભાર મુક્યો હતો. જ્યારે પાસાની સજાના કેસમાં પણ વધારો થતા અસામાજીક તત્વો સામે વધુ આકરી કાર્યવાહી થતા ગુનામાં મહત્વનો ઘટાડો નોંધાયાનો દાવો પોલીસ અધિકારીઓએ કર્યો હતો.

ક્રમ ગુના વર્ષ ૨૦૨૩ વર્ષ ૨૦૨૪

૧. હત્યા ૮૬ ૬૧

૨. હત્યાની કોશિષ ૭૮ ૭૧

૩. લૂંટ ૧૧૫ ૮૬

૪. ચોરી ૩૯૮૧ ૨૮૧૧

૫. સાયબર ક્રાઇમ ૧૭૯ ૨૦૮

૬. પાસા ૫૩૫ ૭૨૨


Google NewsGoogle News