સેલવાસઃ નવો પેટ્રોલ પંપ ચાલુ કરાવવાની લાલચ આપી રૂ. 63 લાખની છેતરપિંડી
સામરવરણીના એક યુવકે ગૂગલ પર પેટ્રોલ પંપ શરૂ કરવાની પ્રક્રિયા સર્ચ કરતા જાળમાં ફસાયો
પેટ્રોલિયમ મંત્રાલયના કર્મચારીની ઓળખ આપી ઠગે વિવિધ ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા
Image Envato |
પહેલાના સમયમાં લૂંટ કરવા આવતાં લૂંટારાઓ લોકોને ચાકુ, બંદૂક, છરી બતાવી કે ડરાવી ધમકારવી લૂંટતા હતા. પરંતુ વર્તમાન સમયમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. અહીં ડિજિટલ યુગમાં લોકોનો લાલચનો ભોગ બની રહ્યા છે અને આવા ઠગોની માયાજાળમાં આવી સરળતાથી છેતરાઈ જાય છે. આવો જ એક કિસ્સો ગુજરાતના સેલવાસમાં બન્યો છે.
સેલવાસના સામરવણીના શખ્સે પેટ્રોલ પંપ ચાલું કરવા ગૂગલ પર સર્ચ કરી ફોર્મ સબમિટ કર્યા બાદ ઠગોની જાળમાં ફસાતા રુપિયા 63 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઠગે પેટ્રોલિયમ મંત્રાલયના કર્મચારીની ઓળખ આપી પેટ્રોલ પંપ ચાલુ કરવા માટે ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વાત કરનારે પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારી તરીકેની ઓળખ આપી
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના સામરવણી વિસ્તારમાં રહેતા જયેશ હિંડોચાએ પેટ્રોલ પંપ ચાલુ કરવાની માહિતી મેળવવા ગુગલ પર સર્ચ કર્યુ હતું. જે દરમિયાન મળેલા ફોર્મને ભરી સબમિટ પણ કરી દીધું હતું. ફોર્મમાં આપેલા મોબાઇલ નંબર પર જયેશ હિંડોચાએ સંપર્ક કરતા વાત કરનારે પોતે પેટ્રોલિયમ મંત્રાલયમાંથી બોલું છું, એમ કહી પેટ્રોલ પંપ ચાલુ કરવો હોય તો તમારે બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા પડશે એમ જણાવ્યું હતું. બાદમાં અન્ય શખસે પણ સંપર્ક કરી ખાતરી આપી હતી.
જયેશ હિંડોચાએ કુલ રુપિયા 63.20 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી
આ બંને ઠગો દ્વારા મોકલેલા બેંક એકાઉન્ટમાં જયેશ હિંડોચાએ કુલ રુપિયા 63.20 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. પરંતુ થોડા દિવસ બાદ મોબાઇલ પર સંપર્ક કરવા જતા બંનેનો મોબાઈલ બંધ આવ્યો હતો. જયેશભાઇએ આ બાબતે વધુ તપાસ કરતાં પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. તેથી તેમણે આ મામલે આ બંને શખસ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને ઠગો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.