અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકીથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ હાઇઍલર્ટ
Bomb Threat in Ahmedabad Airport: દેશમાં છેલ્લા ઘણાં સમયથી એરપૉર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. આ દરમિયાન જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં અમદાવાદ એરપોર્ટને જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ સવારે 9.30 વાગ્યે પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે અને સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
ફ્લાઇટમાં હાથથી લખેલી ચીઠી મળી આવી
મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર જેદાહથી આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લિનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. આ દરમિયાન હાથથી લખેલી ચીઠી મળી આવી હતી. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેને લઈને એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી છે. પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આ ચિઠ્ઠી એફએસએલમાં પણ મોકલવામાં આવશે તથા જે પણ મુસાફર ફ્લાઈટમાં હતા તેના પણ લખાણના સેમ્પલ લેવામાં આવશે. ધમકી આપનાર વ્યકિત અંગે તપાસ કરવામાં આવી રહી છે. હાલ એરપોર્ટ પોલીસ પણ એરપોર્ટ પર હાજર છે.