Get The App

અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, કાર્યવાહીનો સિલસિલો યથાવત રહેશે

Updated: Mar 25th, 2025


Google News
Google News
અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, કાર્યવાહીનો સિલસિલો યથાવત રહેશે 1 - image


Anti-Social Elements Second List: અમદાવાદના વસ્ત્રાલની ઘટના સરકાર અને પોલીસતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા અને યાદી બનાવવાની સૂચના બાદ રાજ્યભરમાંથી અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરાઇ હતી. ત્યારે અમદાવાદમાં અસામાજિક તત્ત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પોલીસ અને સ્પેશિયલ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓની બીજી યાદી તૈયાર કરાઇ છે. જેમાં 10 જેટલા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા કુલ 12 ઈસમોની ધરપકડ કરી પાસાની કાર્યવાહી કરી રાજ્યની સુરત જેલમાં ધકેલી દીધા છે અને 5 ઈસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના ગુનેગારોને દર રવિવારે ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવાશે, વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ ટ્રેડિશનલ પોલીસિંગના માર્ગે


રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર

રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત, 958 મિલકત સંબંધિત, 516 જુગાર, 545 અન્ય શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.

જ્યારે અમદાવાદ શહેરના 25, મોરબીના 12, સુરતના 7, ગાંધીનગરના 6,  વડોદર શહેરના 2 સહિત કુલ 59 વિરૂદ્ધમાં પાસાનો અને 10 જેટલાં શખ્સો વિરૂદ્ધમાં હદપારની કાર્યવાહી સહિત 724 શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદે વીજ જોડાણ, દબાણો વગેરે મામલે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોલીસે સમગ્ર અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. જેમાં વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે. 

ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ત્યારે ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ગુજસીટોકના ગુના પણ નોંધાઈ શકે છે. અમદાવાદ પોલીસે માથાભારે ગેંગ ઉપરાંત, બે કે તેથી વઘુ ગુના નોંધાયા હોય તેવા 1100 જેટલા આરોપીઓની યાદી પણ તૈયાર કરી છે.  આ યાદીને રાજ્ય પોલીસ વડાને મોકલીને ગુનાની ગંભીરતાને આધારે કાર્યવાહી કરવાની ગાઇડલાઇન  નક્કી કરાશે.

Tags :