Get The App

અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી 1 - image


Parcel bomb blast in Sabarmati : આજે વહેલી સવારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં અંગત અદાવતનું વેર રાખી પાર્સલમાં બેટરી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે મુખ્ય આરોપી રૂપેન બારોટના ઘરે સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં વધુ મોટો ખુલાસો થયો છે. 

આરોપી રૂપેન બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી અને આ ઉપરાંત તેના ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. આરોપી પહેલાંથી જ ક્રાઇમ કુંડળી ધરાવે છે. રૂપેન બારોટ દારૂનો ધંધો કરે છે અને તે બુટલેગર છે. રૂપેન બારોટે પોતાના ઘરમાં બોમ્બ બનાવ્યો હોવાની આશંકા છે. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે આગળ બીજા અન્ય મોટા ખુલાસા થવાની આશંકા છે. 

અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી 2 - image

શું હતી ઘટના ? 

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે બ્લાસ્ટમાં IEDનો ઉપયોગ કરાયાની પોલીસને આશંકા છે.

પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. 

અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી 3 - image

બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગની આશંકા

પોલીસને આશંકા છે કે બ્લાસ્ટ માટે IEDનો ઉપયોગ કરાયો હતો. જેમાં કથિત રીતે જ્વલનશીલ પદાર્થો જેવા કે સ્પિરિટ, બેટરી અને ગન પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમે બ્લાસ્ટમાં કયા મટિરિયલનો ઉપયોગ કરાયો છે તે જાણવા માટે ઘટના સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.

રિમોટથી બ્લાસ્ટ કરાયાની શક્યતા

પોલીસના જણાવ્યા અનુસાર આંતરિક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે. અગાઉ ભોગ બનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન-ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

અમદાવાદ પાર્સલ બોમ્બ બ્લાસ્ટના આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, બોમ્બ બનાવવાની સામગ્રી મળી 4 - image

અંગત કારણોસર કરાયો બ્લાસ્ટ

સેક્ટર-1ના JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “આ વિસ્ફોટ પારિવારિક વિવાદને લગતા અંગત કારણોસર કરાયો હોવાનું જણાય છે. અમે પાર્સલ પહોંચાડનાર ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે અને કાવતરામાં સામેલ અન્ય વ્યક્તિઓને શોધી રહ્યા છે.”સમગ્ર મામલે હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે. બીજા સાથીદારનું ઠેકાણું શોધવા અને હુમલામાં વપરાયેલ IED વિશે વધુ વિગતો મેળવવા માટે પોલીસ ગઢવીની પૂછપરછ કરી રહી છે.


Google NewsGoogle News