સ્કૂલોના પટાવાળાને ખાતાકીય પરીક્ષા વિના જ અપાશે બઢતી, આ શરતો હેઠળ મળી છૂટ
Gujarat News: શિક્ષણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2020માં ઠરાવ કરીને ગ્રાન્ટેડ સ્કૂલોના બિન શૈક્ષણિક કર્મચારીઓને બઢતી-ઉચ્ચતર પગાર ધોરણ માટે હિન્દી પરીક્ષા, ખાતાકીય પરીક્ષા અને ટ્રીપલસી પરીક્ષા પાસ કરવાની જોગવાઈ કરાઈ હતી. પરંતુ વહીવટી કર્મચારી સંઘ દ્વારા વર્ગ-4 સંવર્ગના પટાવાળાઓને વિવિધ લાયકાતોને આધીન ખાસ કિસ્સામાં ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરાઈ હતી. જે સરકારે એક વર્ષે સ્વીકારી છે અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપતો ઠરાવ કર્યો છે.
1700 થી વઘુ વર્ગ-4 ના કર્મચારીને વર્ગ-3 બઢતીનો લાભ
રાજ્યની ગ્રાન્ટેડ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં ફરજ બજાવતા બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે સરકારે અગાઉ ખાતાકીય પરીક્ષાની જોગવાઈ કરી હતી. જૂન 2022ના ઠરાવથી રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જુનિયર કારકુનની જગ્યાઓ બઢતીથી ભરવા બાબતની જોગવાઈનો સુધારો કરી ખાતાકીય પરીક્ષા કરેલી હોવાની લાયકાત ઉમેરવામા આવી હતી. ત્યાર બાદ ખાતાકીય પરીક્ષાની કામગીરી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામા આવી હતી.
આ શરતો હેઠળ મળી છૂટ
ઓક્ટોબર 2022ના ઠરાવથી પટાવાળા વર્ગ-4માંથી જુનિયર કારકુન વર્ગ-3માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનો અભ્યાસક્રમ અને નિયમો પણ નક્કી કરી દેવાયા હતા. જૂન 2022ના ઠરાવથી પટાવાળા કર્મચારીઓને બઢતી માટે પરીક્ષાની લાયકાત ઉમેરાયા બાદ ઓગસ્ટ 2023માં શાળા વહીવટી કર્મચારી સંઘ દ્વારા સરકારને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ કરાઈ હતી. જેને પગલે સરકારે જૂન 2022નો ઠરાવ અમલમા આવ્યા પહેલાના વર્ગ-4ના પટાવાળાઓને ખાતાકીય પરીક્ષા સિવાયની લાયકાતોને આધારે બઢતી આપવાની છૂટ આપી છે.
આ પણ વાંચોઃ ગુજરાત ભાજપમાં ભડકો, પોતે બનાવેલા નિયમો જ ભારે પડ્યા: દિલ્હીથી આવ્યો મોટો આદેશ
આ શરતો આધિન મળશે બઢતી
સરકારના આ નવા ઠરાવમાં કેટલીક શરતો પણ અપાઈ છે. જે મુજબ વર્ગ-3માં બઢતી માટે ખાતાકીય પરીક્ષા સિવાયની હિન્દી પરીક્ષા તેમજ ટ્રીપલ સી પરીક્ષા સહિતની લાયકાતો પૂર્ણ હોવી જોઈએ. વર્ગ-2022-23ના સેટઅપ મુજબ ખાલી હોય તેવી જુનિયર કારકુનની જગ્યા પર જ ખાતાકીય પરીક્ષા સિવાય બઢતી મળવાપાત્ર રહેશે. સરકારે ખાતાકીય પરીક્ષામાંથી ખાસ કિસ્સામાં મુક્તિ રાજ્યની ધો.9 થી 12ની ગ્રાન્ટેડ સ્કૂલોના 1700થી વઘુ વર્ગ-4ના પટાવાળા કર્મચારીઓને વર્ગ-3 માં જુનિયર કલાર્ક તરીકેની બઢતીનો લાભ મળશે.