સરખેજના મુમતપુરા ગામમાંથી પોલીસે 838 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો
પોલીસે બુટલેગરની તપાસ શરૂ કરી
બુટલેગર સ્થાનિક વિસ્તારમાં વિદેશી દારુ સપ્લાય કરતો હતો
અમદાવાદ, શનિવાર
સરખેજના મુમતપુરા ગામમાં રહેતો કમલેશ ધીરજલાલ ઠાકોર નામના બુટલેગરના ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ધુળિયાને મળી હતી.
જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર વી બી પરમાર અને તેમના સ્ટાફે મુમતપુરા ગામના ગરબી ચોકમાં કમલેશ ઠાકોરના ઘરમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રુપિયા 2.89 લાખની કિંમતની વિવિધ બ્રાંડની 838 બોટલ વિદેશી દારુની બોટલો મળી આવી હતી.
જો કે પોલીસને બુટલેગર કમલેશ ઠાકોર મળી આવ્યો
નહોતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બુટલેગર કમલેશ ઠાકોર વિરુધ્ધ
અગાઉ પણ પ્રોહીબીશનના ગુના નોંધાઇ ચુક્યા છે.
બીજી તરફ પોલીસના દરોડાના પગલે સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.