બીએમડબલ્કાયુ કાર ચોરીને જતા યુવકને માળિયા-મોરબી નેશનલ હાઇવે પરથી ઝડપી લીધો
સરખેજ પોલીસે બીએમડબલ્યુ કાર ચોરીનો ભેદ ઉકેલ્યો
પરિવાર ધંધો કરવા માટે નાણાંકીય મદદ કરતા ન હોવાથી યુવકે કાર ચોરી કરવાનો પ્લાન ઘડયો હતો
અમદાવાદ,ગુરૂવાર
એસ જી હાઇવે પર આવેલા બીએમડબલ્યુ કારના શો રૂમ પાસે ટ્રેલરમાં આવેલી ૬૦ લાખ રૂપિયાની કિંમતની કારની ચોરીની ઘટનાનો ભેદ સરખેજ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને ચોરીની કાર સાથે એક યુવકને માળિયા-મોરબી હાઇવે પરથી ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકને ધંધો કરવા માટે નાણાંની જરૂર હતી. પરંતુ, પરિવાર તેને આર્થિક મદદ કરતો ન હોવાથી તેણ લક્ઝરી કાર ચોરીનો પ્લાન ઘડયો હતો. બે દિવસ પહેલા એસ જી હાઇવે પર બીએમડબલ્યુ કાર લઇને આવેલા ટ્રેલરમાંથી કાર અનલોડ કરાવવાનું કહીને એક યુવક ૬૦ લાખની કારની ચોરી કરીને નાસી ગયો હતો.
આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે કારચાલક સરખેજ થી સાણંદ તરફ ગયો છે. જેના આધારે અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી અને ટેકનીકલ સર્વેલન્સ કરીને તપાસ કરી ત્યારે એએસઆઇ હિરલકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ મિતેષભાઇ ના માહિતી મળી હતી તે કાર ચાલક મોરબી ચાર રસ્તાથી ગ્રામ્ય વિસ્તારથી પસાર થઇને મોરબી પિપળીયા ગામ પહોંચી હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એમ ચૌહાણે મોરબી પોલીસ સાથે મળીને કારને માળિયા-મોરબી હાઇવે પરથી રોકીને કારચાલકને ઝડપી લીધો હતો.
પોલીસને પ્રાથમિક પુછપરછ કરતા કારચાલકે તેનું નામ ગૌરાગ ગોસ્વામી (રહે.કલ્યાણપુર, ટંકારા, મોરબી) હોવાનું જણાવ્યું હતું. વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે વેફર બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો અને પરંતુ, તેે ધંધો કરવાનો હોવાથી ઘરે નાણાં માંગ્યા હતા. જે ન મળતા તેણે મોટી ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને એસ જી હાઇવે પર આવીને કાર શો રૂમના કર્મચારીની ઓળખ આપીને કારની ચોરી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.