અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર રૂ. 220 કરોડ ફાળવશે
Sarangpur-Kalupur Overbridge: અમદાવાદના રેલવે સ્ટેશનના આધુનિકરણના ભાગરુપે સારંગપુર અને કાલુપુર ઓવરબ્રિજને પહોળો કરવામાં આવશે. આ બંને ઓવરબ્રિજને પહોળો કરવા માટે ખર્ચ થનાર રકમમાં 50 ટકા રકમ રાજ્ય સરકાર આપશે. આ માટે રાજ્ય સરકાર 220 કરોડ રૂપિયા રેલવેને ફાળવવાની મંજૂરી આપી છે.
440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર-સારંગપુર ઓવરબ્રિજ બનાવાશે
ગુજરાત સરકારે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાં રાધનપુર-ભીલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા તેમજ રેલવે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સારંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી હાથ ધરાશે. આના માટે રાજ્ય સરકારના 50 ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ 220 કરોડ રૂપિયા ફાળવાશે.
આ પણ વાંચો: જેતપુરમાં સાડીના કારખાનામાં કારીગરનું મોત, મશીનમાં આવી જતા સર્જાઈ દુર્ઘટના
અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલુપુર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ વર્ષ 1915 અને સારંગપુર રેલવે ઓવરબ્રિજનું વર્ષ 1940માં નિર્માણ થયું હતું. હાલમાં આ કાલુપુર રેલવે ઓવરબ્રિજ બંને તરફ ફુટપાથ સાથે થ્રી-લેન અને સારંગપુર રેલવે ઓવરબ્રિજ ટુ-લેન પહોળાઈ ધરાવે છે.
રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા માર્ગ પર ઓવરબ્રિજ બનશે
આ ઓવરબ્રિજ આયુષ્ય અને સલામતી તેમજ વધતા જતા ટ્રાફિકના ભારણને ધ્યાને રાખીને બંને ઓવરબ્રિજ તોડીને નવેસરથી ફોર-લેન કરવાનું રિકન્સ્ટ્રક્શન રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કરાશે. આ ઉપરાંત રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ LC-100-2E પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારે 52.83 કરોડ રૂપિયા ફાળવ્યા છે. રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા આ માર્ગ પર મંજૂર ઓવરબ્રિજ બનવાથી નાગરિકોને માલપરિવહન અને મુસાફરી સરળ બનશે.