Get The App

ગુજરાત પોલીસની નવી પહેલ: પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’, એક જ છત નીચે મળશે આ ચાર સેવાઓ

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
ગુજરાત પોલીસની નવી પહેલ: પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’, એક જ છત નીચે મળશે આ ચાર સેવાઓ 1 - image


Gujarat Police : ગુજરાત પોલીસે રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે એક નવી પહેલ કરતાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં ‘સાંત્વના કેન્દ્ર’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે. તેમની મુશ્કેલીઓને સમજીને યોગ્ય કાઉન્સેલિંગ અને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ કેન્દ્રોમાં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બનશે.


“સાંત્વના કેન્દ્ર"માં વુમન હેલ્પ ડેસ્ક, ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર, 181-અભયમ અને PSBSS(પોલીસ સ્ટેશન બેઇઝડ્ સપોર્ટ સેન્ટર) આ ચારેય વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે. વર્તમાનમાં કાર્યરત આ ચારેય વ્યવસ્થાઓ એકબીજા સાથે સંકલનમાં રહીને કામગીરી કરે તે હેતુથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં "સાંત્વના કેન્દ્ર” શરૂ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: શિક્ષકો બાદ પોલીસ પર ગાજ, વિદેશ ફરવા ગયેલા 4 પોલીસકર્મી સસ્પેન્ડ, 9 સામે તપાસના આદેશ

પોલીસ સ્ટેશનોમાં આ ચાર સેવાઓ એક જ છત નીચે “સાંત્વના કેન્દ્ર"માં ઉપલબ્ધ બનશે

• વુમન હેલ્પ ડેસ્ક: વુમન હેલ્પ ડેસ્ક પોલીસ સ્ટેશનમાં આવતી મહિલાઓને મદદરૂપ થવા તેમજ કાઉન્સેલીંગ કરવાની કામગીરી કરતી હોય છે.

• ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર: ચાઇલ્ડ વેલ્ફેર પોલીસ ઓફીસર પોલીસ સ્ટેશનમાં આવતા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું કાઉન્સેલીંગ કરતા હોય છે.

• 181-અભયમ: 181-અભયમની વ્યવસ્થાના માધ્યમથી મહિલાઓની સલામતી અને સુરક્ષા અંગેની કામગીરી થાય છે.

• PSBSS (પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર): PSBSS પીડિત મહિલા તથા સામાવાળા પક્ષના સભ્યોનું કાઉન્સેલીંગ કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે.

‘સાંત્વના કેન્દ્ર’ના મુખ્ય ઉદ્દેશ્યો:

• પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને સિનીયર સિટીઝનને યોગ્ય રીતે, સંવેદનશીલતા અને સહાનુભુતિ સાથે સાંભળવા.

• તેઓની મુશ્કેલીઓને સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું.

• જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલીંગ કરવું.

• પોલીસ સ્ટેશનોમાં જ્યારે બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનો આવે ત્યારે તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને જે કામ માટે તેઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા હોય તે કામ ત્વરીત પુર્ણ થાય તે અંગે કાર્યવાહી કરવી.

આ સાંત્વના કેન્દ્રની કામગીરી ઉપર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર/પોલીસ સબ ઇન્સ્પેકટર અંગત ધ્યાન આપી સુચવવામાં આવેલી કામગીરી તેઓ યોગ્ય રીતે કરે તે સુનિશ્ચિત કરવા રાજ્યના પોલીસ વડાએ સુચનાઓ આપી છે. તે ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્રને સોંપવામાં આવેલી જવાબદારીઓ અંગે યોગ્ય રીતે કાર્યવાહી થઇ રહી છે કે કેમ તે બાબતે સંબંધિત SDPO / ACP અધિકારીએ સુપરવિઝન રાખવા પણ સુચના આપવામાં આવી છે. તેવી જ રીતે કમિશ્નરેટ વિસ્તારમાં જે-તે ઝોન વિસ્તારના નાયબ પોલીસ કમિશ્નર તેમજ જિલ્લા કક્ષાએ પોલીસ અધિક્ષકે તેમના કાર્યક્ષેત્રમાં આ કામગીરી ઉપર યોગ્ય સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા આદેશ આપવામાં આવ્યા છે. 



Google NewsGoogle News