સાણંદ પ્રાંત અધિકારીના રહસ્યમય મોતનો કેસ: રાજેન્દ્ર પટેલ પર ઉમેદવારોના ફોર્મ રદ કરવા નેતાનું દબાણ હોવાની ચર્ચા
અમદાવાદ,તા.26 નવેમ્બર 2022,શનિવાર
સાણંદ પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલ કોઈ કાવતરાનો ભોગ બન્યાની પરિવારે આશંકા વ્યક્ત કરી છે. બીજી તરફ વિસ્તારમાં પટેલ વિધાનસભાના ઉમેદવારોના ફોર્મ રદ કરવા માટે નેતાનું દબાણ હોવા છતાં તેઓએ મચક આપી ન હોવાની ચર્ચા શરૂ થઈ છે. આ બાબત પણ પટેલના મોત માટે જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકના ભાઈએ માંગ કરી છે કે, ચૂંટણી પંચ પોતાના ચૂંટણી અધિકારીના રહસ્યમય મોત મામલે રસ લઈને ઉંડાણપૂર્વક તપાસ કરાવવી જોઈએ. સૂત્રોના જણાવ્યા મુજબ રાજેન્દ્ર પટેલના મોબાઈલ ફોન નંબરની કોલ ડિટેઈલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ, ચેટ અને કોલ વગેરેની તપાસ થાય તો મૃતક પર કોણું દબાણ વધુ પડતું હતું તે બહાર આવી શકે તેમ છે. મૃતકના સમાજના આગેવાનોએ પણ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખી મૃતક કાવતરાનો ભોગ બન્યાનો આક્ષેપ કરી યોગ્ય તપાસ કરી તથ્ય બહાર લાવવા માટે રજૂઆત કરી છે.
ચૂંટણી પંચ રસ લઈ કેસની ઉંડાણપૂર્વક તપાસ કરાવે તેવી માંગઃ મૃતક કાવતરાનો ભોગ બન્યાનો આક્ષેપ
સાણંદ પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના રહસ્યમય મોત અંગે હાલ પોલીસે આત્મહત્યાનો દાવો કર્યો છે. જો કે, પરિવારે હત્યા થયાનો આક્ષેપ કરી તપાસ સીબીઆઈ કે સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે તેવી માંગ કરી છે. બીજી તરફ રાજેન્દ્ર પટેલ જે ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી સમાધાન કરવા તૈયાર ના થાય તેઓના ફોર્મ રદ કરવા માટે નેતાનું દબાણ હોવાની ચર્ચાએ જોર પકડયું છે. પટેલે આ નેતાના આદેશને અવગણીને પોતાના સિધ્ધાતો સાથે સમાધાન ના કર્યાની પણ ચર્ચા છે. આ વિવાદમાં પટેલનો ભોગ લેવાયો હોય અથવા તો તેઓ આ પગલું ભર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજેન્દ્ર પટેલ અગાઉ ભાજપ સરકારના બે નેતા પરબત પટેલ અને યોગેશ પટેલના પી.એ. તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આમ, ભાજપના બે નેતાઓ સાથે નજીકથી કામ કરી ચુકેલા રાજેન્દ્ર પટેલને નજીકથી ઓળખતા લોકોના કહેવા મુજબ તેમની લોકચાહના અને સ્વભાવ જોતા તેઓ આત્મહત્યા કરી શકે નહી.રાજેન્દ્ર પટેલના ભાઈ હર્ષદભાઈએ જણાવ્યું હતું કે, મારા ભાઈને ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી સોંંપવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચે રસ લઈને યોગ્ય તપાસ કરાવવી જોઈએ, જેથી તથ્ય બહાર આવી શકે.
રાજેન્દ્ર પટેલ મોત મામલે અર્બુદા સેનાના મહામંત્રી જયેશ ચૌધરી અને આંજણા (ચૌધરી)પટેલ સમાજ સેવા મંડળના મહામંત્રી કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, રાજેન્દ્ર પટેલને કોઈએ ઈરાદાપૂર્વક કાવતરૂ ઘડી તેઓના રહેઠાણના પાંચમા માળેથી નીચે ફેંકી દીધાની શંકા વ્યક્ત કરી છે. આ મામલે નિષ્પક્ષ અને ઉંડી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ કેસમાં ભીનુ સંકેલાશે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે.