અકસ્માત કેસમાં વળતર ન ચુકવતા યુવકના અપહરણકારોને ઝડપી લેવાયા
સાબરમતી પોલીસે અલગ અલગ ટીમ બનાવીને ચાર યુવકોને ઝડપી લીધા
બે વર્ષ પહેલા અકસ્માતની ઘટના બની હતી
અમદાવાદ, ગુરૂવાર
સાબરમતીમાં રહેતા યુવકે મહેસાણામાં અકસ્માત કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતુ. જેમાં યુવક કોર્ટમાં હાજર ન રહેતા અને વળતર ન ચૂકવતા ચાર સંબંધીઓએ યુવકનું અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા. અને સંબંધીને એક લાખ આપો અને યુવકને લઇ જાઓ તેમ જણાવ્યુ હતુ. આ અંગે સાબરમતી પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોધીને મહેસાણાના વિરમપુરથી તેમની ધરપકડ કરી લીધી છે. જ્યારે યુવક આરોપીની કાર ભાડે ચલાવતો હતો તે સમયે અકસ્માત કર્યો હતો. શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય મોહિત ચૌહાણ નામના યુવકનું બે દિવસ પહેલા કેટલાંક શખ્સો કારમાં અપહરણ કરીને નાસી ગયા હતા. આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન પટેલે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરાવી હતી. જેમા સીસીટીવી અને ટેકનીકલ સર્વલન્સના આધારે કારને ટ્રેક કરીને મહેસાણાના વિરમપુરા ગામ પાસે રોકીને મોહિતને સલામત રીતે છોડાવીને ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વિરમપુરા ગામમાં રહેતા સંજય ઠાકોર, રાહુલ ઠાકોર, જીગર ઠાકોર અને રાકેશ ઠાકોરે અંગત અદાવતમાં અપહરણ કર્યું હતું. જેની હકીકત એવી હતી કે મોહિત બે વર્ષ પહેલા રાહુલની ગાડી ભાડેથી ચલાવતો હતો. જે ગાડીનો અકસ્માત થતા વિસનગરમાં કેસ ચાલતો હતો. પરંતુ, મોહિત હાજર રહેતો નહોતો. જેથી કોર્ટે દંડ કર્યો હતો. આ દંડની રકમ અને કાર નુકશાનનું વળતર મેળવવા માટે રાહુલે આ અપહરણ કર્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.