મંદીથી મુંઝાયેલા વેપારીઓનાં ચહેરા ખિલ્યા : બજારોમાં દિવાળીની રોનક જામી, ખરીદી માટે થતી પડાપડી
- તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો, રેસ્ટોરાંમાં લંચ અને ડીનર માટે કલાકોનું વેઇટિંગ
અમદાવાદ, તા. 3 નવેમબર 2021, બુધવાર
અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી બજારો સુમસામ જોવા મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી બજારમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. અને લોકોમાં ખરીદીનાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી તેમજ નુતન વર્ષના પર્વેને ઉજવવા માટે શહેરીજનોમાં આખરે રહી રહીને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.
ઉત્સવ પ્રેમી જનતાને આખરે રહી રહીને ધમતેરસના દિવસથી ખરીદી કરવા માટે ઉમટી પડી છે. સોની બજારમાં પણ આખરે તેજી જોવા મળી હતી. અને સોના ચાંદીની સુકનવંતી ખરીદી માટે શહેરીજનો જુદા જુદા શો રૂમમાં ખરીદી માટે ઉમટી પડેલા જોવા મળ્યા હતા, આ ઉપરાંત નવા વાહનોની ખરીદી કરવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો હતો. કાપડ બજાર, બુટ ચપ્પલ સહિતની ખરીદી માટે માનવ મહેરામણ ઉમટેલો જોવા મળ્યો હતો.
જ્યારે મીઠાઈ, ફરસાણ સહિતની ચીજ વસ્તુઓની ખરીદીમાં પણ તેજી જોવા મળી હતી. ગૃહ સુશોભનની વસ્તુઓ અને સજાવટની વસ્તુની ખરીદી માટે દીવડા તોરણ રંગોળીના લકર સહિતની વસ્તુઓ ખરીદવા પણ લોકોએ રસ દાખવ્યો હતો, સાથો સાથ પ્રકાશ વર્ષનુ પર્વ મનાવવા માટે સવાસોથી વધુ સ્થળોએ ફટાકડાના સ્ટોલ ઉભા કરાયા છે. જેમાં પણ બે દિવસથી ખરીદી કરવા માટે લોકોએ પડાપડી કરી હતી, આખરે છેલ્લા બે દિવસથી દિવાળીના તહેવારને લઈને જોવા મળી રહી છે.
વોકલ ફોર લોકલના કારણે દુકાનદારો, ઉત્પાદકો અને કારીગરો ખુશ જોવા મળ્યાં છે. વળી ગુજરાત સરકારે દિવાળી ટાણે રાત્રિ કર્ફ્યુમાં રાહત આપતા હોટલો અને સિનેમા ખોવાયેલી રોનક ફરી જોવા મળી છે.
રાજ્ય સરકારના ગૃહ વિભાગે 30 નવેમ્બર સુધી 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં છૂટછાટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ સહિત તમામ વ્યાવસાયિક એકમો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ છઠ્ઠ પૂજાનું આયોજન પણ 400 લોકોની મર્યાદામાં કરી શકાશે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને થિયેટરોને પણ 100 ટકા પ્રેશકો તેમજ હોટલ-રેસ્ટૉરન્ટમાં 75 ટકા ગ્રાહકોની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકવાનો નિર્ણય લેવાયો છે.
નવા વર્ષમાં સ્નેહ મિલન કાર્યક્રમોમાં ખુલ્લા જગ્યા પર 400 વ્યક્તોઓ બોલાવી શકાશે. સ્પા સેન્ટરોમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાય તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, બજાર, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.
અમદાવાદમાં દિવાળીના તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. એસજી હાઈવે પર મોટાભાગના રેસ્ટોરામાં ભીડ જોવા મળી છે. રેસ્ટોરાંમાં લંચ અને ડીનર માટે કલાકોનું વેઈટિંગ જોવા મળ્યુ છે. સામાન્ય દિવસ કરતા પણ ધંધામાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે.
દિવાળીનો તહેવાર સિનેમા અને રેસ્ટોરન્ટ બિઝનેસમાં જ નહીં પણ કોડિયા માર્કેટમાં રોશની લાવ્યો છે. કોરોના કારણે બે વર્ષથી ઠપ્પ થઈ ગયું કોડિયાનું માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારમાં કરોડો રૂપિયાનું ટન ઓવર કોડિયાનું છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવાર પહેલા કોડિયા બનાવતા કારીગરોને લાખો નંગ કોડિયાનો એડવાન્સ ઓડર મળ્યો હતો.