આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ, રાંધણ ગેસથી ક્રેડિટ કાર્ડ સુધી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
Utility news


Rule Change In July: જૂન મહિનો પૂરો થઈ ગયો છે અને જુલાઈ 2024 આજથી શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા ફેરફારો સાથે શરૂ થયો છે. જેમાં ઘરના રસોડાના બજેટથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ છે. પહેલી તારીખથી દેશમાં ફરી એકવાર રાંધણ ગેસ (LPG)ની કિંમતમાં ફેરફાર થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને રાહત આપી છે. દિલ્હીમાં, 19 કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં રૂ. 30 ઘટી છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર પડશે…

પ્રથમ ફેરફારઃ એલપીજીના ભાવમાં ઘટાડો

દેશમાં ફરીથી એલપીજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, આ વખતે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો કરતી વખતે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતો યથાવત રાખી છે, જે 1 જુલાઈ, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી અમલમાં આવશે. થોડા સમય પહેલાં જ 19 કિગ્રા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 

અમદાવાદમાં રાંધણ ગેસના ભાવ

અમદાવાદમાં રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 810 પ્રતિ 14.2 કિગ્રા સાથે યથાવત છે. માર્ચ, 2024થી અમદાવાદમાં રાંધણ ગેસના ભાવ સ્થિર છે. અગાઉ ગતવર્ષે જૂલાઈમાં રૂ. 1110 પ્રતિ 14.2 કિગ્રા ભાવ હતો. ગતવર્ષની તુલનાએ આ વર્ષે રાંધણ ગેસ સસ્તા છે. ફેબ્રુઆરી-24માં ભાવ રૂ. 910 હતા. દિલ્હી એલપીજીની કિંમત રૂ. 1676 ઘટી રૂ. 1646 કરવામાં આવી છે. આ સિવાય કોલકાતામાં તે રૂ. 1787થી ઘટાડી રૂ. 1756 ભાવ થયો છે.

બીજો મોટો ફેરફારઃ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ

જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો આજથી નિયમો બદલાઈ ગયા છે. જેના લીધે અમુક પેમેન્ટ પ્લેટફોર્મ મારફત બિલ પેમેન્ટમાં મુશ્કેલીઓ પણ આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં CRED, PhonePe, BillDesk જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે. આરબીઆઈના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી, તમામ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવી જોઈએ. તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે.

ત્રીજો ફેરફાર-સિમ કાર્ડ પોર્ટ નિયમ

TRAI સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરી રહી છે. હવે ફરી એકવાર સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાયા છે. આ મોટો ફેરફાર પણ 1 જુલાઈ, 2024થી અમલમાં આવ્યો છે. ટ્રાઈએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમમાં ફેરફાર કરીને સિમ સ્વેપ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગુ કર્યો છે. આ હેઠળ, જો સિમ કાર્ડ ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થઈ જાય, તો તમારે થોડો સમય રાહ જોવી પડશે. અગાઉ, સિમ કાર્ડની ચોરી અથવા નુકસાન પછી, તમે તરત જ સ્ટોરમાંથી નવું સિમ કાર્ડ મેળવતા હતા, પરંતુ નવા નિયમ અનુસાર, હવે તેનો લોકિંગ પિરિયડ લંબાવવામાં આવ્યો છે. હવે 7 દિવસ સુધી રાહ જોવી પડશે.

માર્ચ 2024માં ટ્રાઈએ 1 જુલાઈથી સિમ પોર્ટિંગ માટેના નિયમોમાં આ ફેરફારની માહિતી X પોસ્ટ દ્વારા શેર કરી હતી. જો કે, તેની તારીખ લંબાવવામાં આવશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.

ચોથો ફેરફારઃ મોબાઈલ પર વાત કરવી મોંઘી

જુલાઈ 2024માં અમલમાં આવનારા ફેરફારોની યાદીમાં ચોથો નંબર પણ તમારા મોબાઈલ ફોન સાથે સંબંધિત છે. રિલાયન્સ જિયોથી લઈને એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના ટેરિફ પ્લાનને મોંઘા કર્યા છે. આ નવી યોજનાઓ 3-4 જુલાઈથી અમલી બનશે.

પાંચમો ફેરફારઃ બેન્કો 12 દિવસ બંધ રહેશે

RBI દ્વારા જુલાઈ મહિનાની બેન્ક હોલિડે લિસ્ટ તેની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે. આ મુજબ, આ મહિને 12 દિવસ બેન્કો બંધ રહેશે. જો કે, જુદા-જુદા રાજ્યોમાં તહેવારો અનુસાર બેન્કો બંધ રહેશે. ગુજરાતમાં માત્ર મહોરમના દિવસે બેન્કો બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથા શનિવારે બેન્કો બંધ રહેશે.


Google NewsGoogle News