બાલવાટિકાના અભ્યાસ વિના પણ RTEમાં પ્રવેશ આપવો પડશે, અમદાવાદના ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને આદેશ
Right to Education: આરટીઈ હેઠળ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બાલવાટિકામાંથી ધો.1માં આરટીઈ હેઠળ આવતા બાળકો પાસેથી હાલ એલ.સી માટે દબાણ ન કરવામા આવે તેવો આદેશ સ્કૂલોને અમદાવાદ શહેરના ડીઈઓ દ્વારા આપવામાં આવ્યો છે અને પ્રવેશ કાર્ડ જેટલા જ દસ્તાવેજ વાલીઓ પાસેથી માંગવાના રહેશે.
ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને આદેશ
એક સ્કૂલે વધારાના દસ્તાવેજ મંગાવતા શહેર ડીઈઓ દ્વારા સ્કૂલને નોટિસ આપવામા આવી છે. જ્યારે બાલવાટિકા ન હોય તો પણ આરટીઈમાં પ્રવેશ આપવો પડશે.
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ખાનગી સ્કૂલોને આરટીઈ પ્રવેશને લઈને પરિપત્ર કરીને સૂચના આપવામા આવી છે કે જે બાળક જે તે શાળામા બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધો.1માં આરટીઈનો પ્રવેશ હોય તો શાળાએ એનો એ જ જીઆર નંબર એસએસએના ઓનલાઈન પોર્ટલમાં નાખવાનો રહેશે તથા એલસી આપવાની જરૂર રહેશે નહીં.
પરંતુ અન્ય સ્કૂલમાં બાલવાટિકાનો અભ્યાસ હોય તો બીજી શાળામાં બાલવાટિકાનો યુ ડાયસ નંબર જનરેટ થયેલો હશે તો જે તે શાળામાં બાલવાટિકાનું અભ્યાસ કર્યું હશે. તે શાળાએ વિદ્યાર્થીને બાલાવટિકાનું એલસી આપવાનું રહેશે.
એલ.સી વગર પ્રવેશ આપવાનો રહેશે
હાલ બાલવાટિકાની પરીક્ષા તેમજ પરિણામની કાર્યવાહી ચાલતી હોવાથી આરટીઈ પ્રવેશમાં હાલ એલ.સી વગર પ્રવેશ આપી દેવાનો રહેશે. બાલવાટિકાની પરીક્ષા અને પરિણામ કાર્યવાહી પૂરી થયા બાદ એલ.સી મેળવવાની કાર્યવાહી કરવાની રહેશે.
ઉપરાંત જે બાળકો બાલવાટિકામાં અગાઉ ભણ્યા નથી તેઓને પણ આરટીઈમાં પ્રવેશ આપવાના રહેશે. જ્યારે કેટલીક સ્કૂલો બાળકોના વાલી પાસેથી એડમિટ કાર્ડમાં જરૂરી હોય તે સિવાયના પણ દસ્તાવેજો માંગતી હોઈ ડીઈઓ સ્કૂલને વધારાના દસ્તાવેજો ન માંગવા આદેશ કર્યો છે અને આ ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલને આ મુદ્દે શો કોઝ નોટિસ પણ ડીઈઓએ આપી છે.