Get The App

ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, 450 લોકોને આમંત્રણ, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, 450 લોકોને આમંત્રણ, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ 1 - image


RSS Program at Gujarat Vidyapith: અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. કારણ કે, આગામી 22મી ડિસેમ્બર 2024ના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જે મામલે ગાંધીવાદીઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે જેના માટે આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આમંત્રણનું સરનામું ગુજરાત વિદ્યાપીઠ, કર્ણાવતી છે. RSS સંગઠન અમદાવાદ માટે કર્ણાવતીનો ઉપયોગ કરે છે.

ગુજરાત વિદ્યાપીઠમાં યોજાનારા કાર્યક્રમનું નામ 'સજ્જન શક્તિ સંગમ' અપાયું છે. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાં યોજાઈ રહ્યો છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હર્ષદ પટેલને વિનંતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મંદિર મસ્જિદ વિવાદ પર ભડક્યા RSS પ્રમુખ, કહ્યું- 'અમુકને લાગે છે કે રામમંદિર જેવા મુદ્દા ઊઠાવી હિન્દુ નેતા બની જશે'

450 લોકો આપશે હાજરી, સંઘના સ્વયંસેવકો પણ રહેશે ઉપસ્થિત

જો કે, આ કાર્યક્રમ નારણપુરા ઝોનનો છે. નારણપુરા ઝોનમાં આવતાં 6 વિસ્તારમાં રહેતા અને શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સેવા, આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે. જેમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારી, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર સહિત 450થી વધુ લોકો હાજરી આપશે. જ્યારે કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે.

ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, 450 લોકોને આમંત્રણ, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ 2 - image

ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન: સુદર્શન આયંગર

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમને લઈને ગાંધીવાદીઓ તેમજ વિદ્યાપીઠના પૂર્વ કુલપતિઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. ગાંધીવાદીઓના અનુસાર, RSS અને ગાંધીજીની વિચારધારા હંમેશા અલગ રહી છે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આ કાર્યક્રમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાવાનો છે. તેના મુદ્દા સારા જ હશે. પરંતુ ગાંધીજીની સંસ્થામાં આ કાર્યક્રમ યોજવામાં આવે તે અયોગ્ય અને વિવેકહીન છે. RSS હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને ગાંધીની વિચારધારા સર્વ ધર્મ સમભાવની છે. ત્યારે RSS અને ગાંધીજીની વિચારધારા સાથે મેળ નથી. બંને વચ્ચે તાત્વિક ભેદ છે. તેથી ગુજરાત વિદ્યાપીઠમાં સત્તાના જોરે RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે. આવી સંસ્થામાં RSSનો કાર્યક્રમ ન થવો જોઈએ.'

ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, 450 લોકોને આમંત્રણ, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ 3 - image

આ પણ વાંચો: 'મથુરા, સંભલમાં મંદિરો તોડવામાં આવ્યા, ભારતમાં સનાતન જ રાષ્ટ્રીય ધર્મ', અયોધ્યામાં CM યોગીનું મોટું નિવેદન

સુદર્શન આયંગરે જણાવ્યું કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક તો એ કે RSS હવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું છે. જો તેવું હોય તો તેણે પહેલાં પોતાના પ્રાંગણમાં જ ગાંધીજીની વિચારધારા પર વર્કશોપ કરવો જોઈએ.'

સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે: RSS

ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ અંગે RSSએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યના તમામ જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. વિદ્યાપીઠમાં પણ 450 લોકોને બોલાવીને કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભૂતકાળમાં નવજીવન ટ્રસ્ટમાં પણ અનેક કાર્યક્રમ થયા છે. ખુદ વર્ધા ખાતે સંઘની બેઠકમાં પણ ગાંધીજીએ હાજરી આપી હતી અને તેમણે સંઘના કાર્યક્રમોના વખાણ કર્યા હતા. કાર્યક્રમમાં સામાજિક સમરસતા ઉપર ચર્ચા થવાની છે. પરિવારની જાગૃતિ પર કામ થવાનું છે. આવો કાર્યક્રમ જો ગાંધીજીની વિચારધારા ધરાવતી વિદ્યાપીઠમાં થતો હોય તો તેમાં ખોટું શું છે.


Google NewsGoogle News