Get The App

અમદાવાદમાં એક્ટિવાની ડેકીમાંથી 3.69 લાખની લૂંટ, વાહન ચાલક સાથે ઝઘડો કરી ગઠિયો રૂપિયા લઈ ફરાર

એક્ટિવા ચાલકને બાઈક ચાલકે ઉભો રાખીને ઝઘડો કર્યો, પાછળથી આવેલા વાહન ચાલકે ડેકીમાંથી રૂપિયા કાઢી લીધા

એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી

Updated: Sep 1st, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં એક્ટિવાની ડેકીમાંથી 3.69 લાખની લૂંટ, વાહન ચાલક સાથે ઝઘડો કરી ગઠિયો રૂપિયા લઈ ફરાર 1 - image



અમદાવાદઃ શહેરમાં લૂંટના બનાવો વધી રહ્યાં છે. રસ્તે પસાર થતાં વાહન ચાલકો સાથે તકરાર કરીને લૂંટ ચલાવાઈ હોય તેવા અનેક કિસ્સા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે શહેરમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિ તેના વાહન પર પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક મોટરસાયકલ લઈને આવેલ યુવક અને યુવતીએ તેની સાથે તકરાર કરી હતી. આ દરમિયાન વધુ એક વ્યક્તિ મોટર સાયકલ પર આવ્યો હતો અને ફરિયાદીના એક્ટિવાની ડેકીમાંથી રોકડ અને મોબાઈલ મળી કુલ 3.69 લાખની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. 

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જમાલપુરમાં રહેતા ઈલિયાસ બલ્લુવાલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ તેમની નોકરી પર હાજર હતાં અને તેમના શેઠે સી જી રોડ પર એક પેઢીમાં પૈસા લેવા માટે જવાનું કહ્યું હતું. તેઓ આ પેઢીમાં ગયા હતાં અને પેઢીના માણસે તેમના શેઠને ફોન કર્યો હતો. ત્યાર બાદ પેઢીમાંથી તેમને 500 રૂપિયાના દરની 100 નોટના છ બંડલ, 200 રૂપિયાના દરની 100 નોટના 3 બંડલ તેમજ 500 રૂપિયાના દરની 8 નોટો અને 100 રૂપિયાના દરની બે નોટ મળી કુલ 3 લાખ 64 હજાર 200 રૂપિયા આપ્યા હતાં. 

ત્યાર બાદ ઈલિયાસભાઈએ તેમના શેઠને ફોન કરીને કહ્યું હતું કે, પૈસા મળી ગયાં છે. તેઓ પૈસા લઈને નીકળી ગયા હતાં. તેમણે પૈસા ભરેલી બેગ તેમના વાહનની ડેકીમાં મુકી હતી. તેઓ વાહન લઈને શેઠના ઘરે આસ્ટોડિયા તરફ જવા નિકળ્યા હતાં ત્યારે લો ગાર્ડન સર્કલથી એનસીસી સર્કલ થઈ જજીસ બંગ્લા શિવાલી એપાર્ટમેન્ટ પાસે આવતાં એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવ્યો હતો તેની સાથે એક યુવતી પણ હતી. આ લોકોએ ઈલિયાસભાઈને કહ્યું હતું કે, તમે જોઈને તમારૂ વાહન ચલાવો કહીને આગળ બાઈક ઉભું કરી દીધું હતું. આ દરમિયાન તેમની વચ્ચે બોલાચાલી ચાલતી હતી અને વધુ એક વ્યક્તિ મોટર સાયકલ લઈને આવ્યો હતો. તેણે એક્ટિવાની ડેકી ખોલીને  રૂપિયા ભરેલી બેગ લઈ લીધી હતી. ત્યાર બાદ તેમણે પોલીસમાં ફોન કરતાં પોલીસ આવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News