રિવરફ્રન્ટની કરોડોની જમીન પાણીના ભાવે પધરાવી દેવાશે, મ્યુનિ.બજેટ બેઠકમાં વિપક્ષ નેતાનો આક્ષેપ
ઓછા વેલ્યુએશન થકી લગભગ રૂ. 5,000 કરોડની રકમનું કૌભાંડ રચવામાં આવી રહ્યું છે
image : Social Media |
અમદાવાદ,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 1.75 લાખ ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતા સાત પ્લોટ જમીનની બજાર કિંમત કરતા ઓછા ભાવે 99 વર્ષના હક્ક સાથે વિકસીત કરવાનો કારસો એક કૌભાંડ હોવાનો આક્ષેપ વિપક્ષના નેતાએ કર્યો હતો.કોર્પોરેશનમાં વિપક્ષના નેતાએ એવો આક્ષેપ કર્યો હતો કે ત્રણ તબક્કામાં આ રીતે ઓછા વેલ્યુએશન થકી લગભગ રૂ. 5,000 કરોડની રકમનું કૌભાંડ રચવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે જમીનના ભાવ બજાર કિંમત કરતા ઓછા આંકવામાં આવ્યા છે. 99 વર્ષના ડેવલપમેન્ટ રાઇટ આપવામાં આવશે અને લાખો રૂપિયાની જમીન પ્રતિ ચોરસ મીટરે માત્ર રૂ. 10ના ભાવે મળતિયાઓને આપવામાં આવશે.પોતાના આક્ષેપ સાથે અગાઉ રાજ્ય સરકારે બે પ્લોટના નક્કી કરેલા ભાવ અને રાજ્ય સરકારની પ્રાઇસ ફીકસીંગ કમિટીએ લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી 2002ની પદ્ધતિ પણ તેમણે ટાંકી હતી.
1.75 લાખ ચોરસ મીટર જમીનનું ઓછું વેલ્યુએશન કરાયું હોવાના આક્ષેપ બાદ બોર્ડ બેઠકમાં ભારે હોબાળો
સાબરમતી રિવરફ્રન્ટના ડેવલપમેન્ટ અંતર્ગત 11 કિલોમીટરના વિસ્તારના ડેવલપમેન્ટ માટે અત્યાર સુધીના સમયમાં રુપિયા 1800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.મ્યુનિ.ના વર્ષ-2024-25ના જનરલ બજેટ ઉપરની ચર્ચા દરમિયાન વિપક્ષનેતાએ સાબરમતી રિવરફ્રન્ટની જમીનનુ જાણી જોઈને ઓછુ વેલ્યુએશન કરવાનું, જમીનના ડેવલપમેન્ટ રાઈટસ આપવાનુ તેમજ રિવરફ્રન્ટની જમીન પ્રતિ ચોરસ મીટર માત્ર રુપિયા દસના ભાવથી લીઝ ઉપર આપવાનુ કૌભાંડ આકાર લઈ રહયુ હોવાનો બેઠકમાં આક્ષેપ કર્યો હતો.આક્ષેપના પગલે બેઠકમાં સોંપો પડી ગયો હતો.વિપક્ષનેતાએ રાજય સરકાર તરફથી આઠ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટના વલ્લભસદન પાસે આવેલા એક પ્લોટનું વેલ્યુએશન કરાવ્યુ હતુ.એ સમયે પ્લોટનો પ્રતિ ચોરસ મીટર ભાવ રુપિયા 7.86 લાખ આવ્યો હતો.હવે વલ્લભસદનમાં આવરી લેવામાં આવેલી 27,943 ચોરસ મીટર જમીનનો પ્રતિ ચોરસ મીટર ભાવ રુપિયા 3.22 લાખ આવ્યો છે.આઠ વર્ષ પછી ભાવ વધવાના બદલે ઘટયો છે.7.86 લાખ પ્રતિ ચોરસ મીટરના ભાવ મુજબ વેલ્યુએશન કરવામાં આવે તો વલ્લભસદન પાસેના પ્લોટની કુલ કિંમત રુપિયા 2196.31 કરોડ થાય છે. આમ માત્ર વલ્લભસદનના વેલ્યુઝોનમાં આવતી 27,943 ચોરસ મીટર જમીનના નકકી કરવામાં આવેલા વેલ્યુએશનથી રુપિયા 1296.55 કરોડનું નુકસાન તંત્રને થઈ રહયુ છે.રાજય સરકારની લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી-2002 મુજબ વેલ્યુએશન કરવામાં આવે તો અંદાજે દસ હજાર કરોડ જમીનની વેલ્યુ થાય એમ છે.આમ ખોટા વેલ્યુએશનથી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને રુપિયા પાંચ હજાર કરોડનુ નુકસાન કરવાનો કારસો રચાઈ રહયો છે.
રિવરફ્રન્ટના સાત વેલ્યુઝોનમાં પ્રતિ.ચો.મી. ભાવ
સાબરમતી રિવરફ્રન્ટ હસ્તક આવેલી જમીન માટે સાત વેલ્યએશન ઝોનમાં પ્રતિ ચોરસ મીટર જમીનના નકકી કરવામાં આવેલા ભાવ આ મુજબ છે.
સ્થળ |
ક્ષેત્રફળ(સ્કે.મીટર) |
પ્રતિ.ચો.મી.જમીનનો ભાવ (લાખમાં) |
ડેવલપમેન્ટ
રાઈટસનો ભાવ (સ્કે.મીટર) |
ઈવેન્ટ સેન્ટર
સામે |
29,386 |
3.8 |
22647 |
વલ્લભસદન પાસે |
27,943 |
3.22 |
23676 |
સાબરમતી,પાવરહાઉસ પાછળ |
48,694 |
2.95 |
21691 |
પીકનીક હાઉસ,શાહીબાગ પાસે |
11,054 |
2.97 |
24750 |
દધીચી બ્રિજ નજીક,દુધેશ્વર |
35,236 |
2.71 |
19982 |
લેમન ટ્રી
હોટલની પાછળ |
17,000 |
2.50 |
20833 |
જગન્નાથ મંદિર
પાછળ |
5900 |
51,750 |
16172 |
2016માં બે પ્લોટ માટે 167.12 કરોડ કિંમત નકકી થયેલી
રાજય સરકારની પ્રાઈસ ફિકસીંગ કમિટિ દ્વારા વર્ષ-2016માં સાબરમતી રિવરફ્રન્ટના બે પ્લોટના વેચાણ માટે વેલ્યુએશન કરવામાં આવ્યુ હતુ.એ સમયના શહેરી વિકાસ મંત્રી નિતીન પટેલે 1280 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા શેખપુર-ખાનપુરાના સર્વે નંબર 335નો ભાવ નકકી કરી 17 માળનુ બાંધકામ થઈ શકે એ માટે 16,773 ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા નકકી કર્યો હતો.આ માટે પ્લોટની તળીયાની કિંમત પ્રતિ ચોરસ મીટર રુપિયા 7.86 લાખ નકકી કરી રુપિયા 100.64 કરોડ આવક અંદાજવામાં આવી હતી.ચંગીઝપુર ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર-184 બીજો પ્લોટ હતો.જેમાં 25 માળનુ બાંધકામ થઈ શકે એ માટે 11,074 ચોરસ મીટર બિલ્ટઅપ એરીયા નકકી કરાયો હતો.આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા 2.96 લાખ ભાવ નકકી કરાયો હતો.જેની કુલ કિંમત રુપિયા 66.45 કરોડ હતી.રાજય સરકારે લેન્ડ ડિસ્પોઝેબલ પોલીસી અંતર્ગત આ બે પ્લોટના ભાવ જાહેર કર્યા હતા પરંતુ પ્લોટનુ વેચાણ થઈ શકયુ નહોતુ.