અમદાવાદી સ્ટુડન્ટની અનોખી શોધ, પાણી શુદ્ધ કરી લાખો લીટર પાણી બચાવશે
Biomass Chamber for Purifying Water: શહેરીકરણમાં વધારો થતાં જમીનનું પ્રમાણ ઘટી રહ્યું છે. જમીન ઓછી થવાથી ખેતી કરવી મુશ્કેલ બની રહી છે ત્યારે હવે હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સ એટલે કે ટેંક પદ્ધતિથી શાકભાજી તેમજ મત્સ્ય ઉત્પાદન થઈ રહ્યું છે. થોડા સમયમાં ટેંકમાં બાયોમાસ થવાથી પાણી અશુદ્ધ થઈ જાય છે અને તેને વારંવાર બદલવું પડતું હોય છે ત્યારે ગુજરાત ટૅક્નોલૉજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના સ્કૂલ ઑફ અપ્લાઇડ સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજીના સ્ટુડન્ટ પાર્થ પ્રજાપતિએ બાયોમાસના ઝડપી વિભાજન અને પાણીને શુદ્ધ કરી શકાય તે માટે મોડેલ બનાવ્યું છે જેને પેટન્ટ મળી છે.
વીજળીના ઉપયોગ વગર પાણીમાં રહેલી લીલ દૂર કરી શકાય છે
આ વિશે સ્ટુડન્ટ પાર્થે કહ્યું કે, પર્યાવરણની સમસ્યા અને જમીનનું પ્રમાણ ઓછું થવાથી શાકભાજી, મત્સ્ય ઉદ્યોગ ટેંક પદ્ધતિમાં થવા લાગ્યો છે. હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સમાં ટેંકની ક્ષમતા મુજબ પાણી ભરવામાં આવે છે અને તેમાં સમયાંતરે પાણી બદલવું પડતું હોય છે. ઘણા સમય પછી ટેંકમાં રહેલા પાણીમાં લીલ થતી જાય છે અને તે પાણી ખરાબ થઈ જાય છે. પાણીમાં રહેલી આ લીલને વીજળીના ઉપયોગ વિના દૂર કરી પાણીને શુદ્ધ કરતું બાયોમાસ ચેમ્બર બનાવ્યું છે.
ભારત સરકારે આ સંશોધનને પેટન્ટ પણ આપી છે
આ સંશોધનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ મળી છે. શહેરો તેમજ ગામડાંના આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા લોકોને ફાયદારૂપ બની શકે છે. ડૉ. ચંદ્રશેખર મૂટપલ્લી, ડૉ. નિલય નાથાણી, ડૉ. વિવેક શ્રીવાસ્તવના માર્ગદર્શન સાથે સંશોધન કર્યું છે.
આ પણ વાંચો: આસોમાં ભાદરવા જેવી ગરમીથી લોકો ત્રસ્ત : હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્
વર્ષમાં એક લાખ લિટર પાણીનો બચાવ થઈ શકે છે
ટેંકમાં વાંરવાર પાણી બદલવાની જરૂર પડે ત્યારે આ બાયોમાસ ચેમ્બરથી દસ હજાર લિટર પાણીની ક્ષમતા હોય તો વર્ષમાં એક લાખ લિટર પાણીનો બચાવ થાય છે. વીજળીની મદદ વિના આ કામ થવાથી ખર્ચ ઘણો નહિવત થાય છે. હાઇડ્રોપોનિક્સ અને એક્વાપોનિક્સના ઉત્પાદનમાં પણ ઘણો વધારો થાય છે. આ બાયોમાસ ચેમ્બર ફાયબર રીઇનફોસ્ટ પ્લાસ્ટિકથી બનાવવામાં આવ્યું છે અને તેનું વજન ચાર કિલોગ્રામ છે.
ફિલ્ટરથી પાણીમાં રહેલો કચરો અલગ થઈ જાય છે
આ બાયોમાસ ચાર ભાગમાં વહેંચાયેલું છે, જેમાં ઉપર અને નીચેનો ભાગ મહત્ત્વપૂર્ણ છે. નીચેના ભાગમાં ટેંક પદ્ધતિમાનું બાયોમાસ ભરેલ પાણી અંદર આવે છે પાણીને નીકળવા ક્યાંક રસ્તો ના મળતાં તે ઉપરની તરફના ચાર સૂક્ષ્મ વિભાગોમાંના પહેલા વિભાગમાં જાય છે. ટાંકીમાં રહેલું પાણી ચાર અલગ-અલગ માપની જાળીમાંથી પસાર થાય છે, જેથી કપચી, કપડાં સહિતનો કચરો નીચેના જ વિભાગમાં જમા થઈ જાય છે.