અસહય ઉકળાટ પછી વાતાવરણમાં પલટો ઓઢવ,વિરાટનગર, નરોડામાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો
બપોરે ચારના સુમારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદને પગલે ઠંડક પ્રસરી
અમદાવાદ,બુધવાર,25 સપ્ટેમ્બર,2024
બુધવારે અમદાવાદમાં દિવસ દરમિયાન અસહય ઉકળાટ પછી વાતાવરણમાં
પલટો આવ્યો હતો.ઓઢવ, વિરાટનગર,નરોડા વિસ્તારમાં
એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.બપોરે ૪થી ૫ના એક કલાકના સમયમાં શહેરના અનેક
વિસ્તારમાં વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના ૬થી સાંજના ૭ કલાક સુધીમાં
શહેરમાં સરેરાશ ૯.૧૪ મિલીમીટર વરસાદ થતા મોસમનો કુલ ૩૭.૪૪ ઈંચ વરસાદ થવા પામ્યો
હતો.
બુધવારે બપોરના સમયે અસહય ઉકળાટની સાથે આકાશ કાળા ડીબાંગ
વાદળોથી ઘેરાઈ ગયુ હતુ.બપોરે ૪થી ૫ના એક કલાકના સમયમાં પૂર્વમાં આવેલા ચકુડીયા, ઓઢવ,વિરાટનગર ઉપરાંત
નદીપાર આવેલા સરખેજ.જોધપુર,
ઘાટલોડીયા અને દક્ષિણમાં આવેલા મણિનગર તથા ઉત્તરમાં આવેલા નરોડા વિસ્તારમાં
વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.અમુક વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો
હતો.જયારે અમુક વિસ્તારમાં વરસાદ નોંધાયો નહતો.વાસણા બેરેજનુ લેવલ ૧૩૪ ફૂટ નોંધાતા
બેરેજના ગેટ નંબર-૨૫ અને ૨૬ ૧.૫ ફૂટ તથા ગેટ નંબર-૨૮ એક ફૂટ જેટલા ખોલવામા આવ્યા
હતા.
સાંજે ૭ કલાક સુધીમાં કયાં-કેટલો વરસાદ
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૨૬
ઓઢવ ૨૬
વિરાટનગર ૨૭
રામોલ ૧૮
સરખેજ ૧૪
જોધપુર ૧૧
મેમ્કો ૧૧
નરોડા ૨૫
મણિનગર ૨૦
વટવા ૧૦