નિકોલના મધુમાલતી આવાસ યોજનાના રહીશોએ દસક્રોઈના ધારાસભ્ય, પાણી સમિતિના ચેરમેન, કૉર્પોરેટરોને ચાલતી પકડાવી
પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ કહ્યું, રેનબસેરામાં જતા રહો, ખાવાનું મળી જશે તમને
અમદાવાદ,બુધવાર,4
સપ્ટેમ્બર,2024
નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં વરસાદ
બંધ થયા પછી પણ વરસાદી પાણીનો નિકાલ
મ્યુનિસિપલ તંત્ર કરી શક્યું નથી. બુધવારે દસક્રોઈના ધારાસભ્ય બાબુ જમના પટેલ, પાણી સમિતિના
ચેરમેન દિલીપ બગરીયા તથા સ્થાનિક કૉર્પોરેટરો આવાસ યોજનાની મુલાકાતે પહોંચ્યા હતા.
પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાએ રહીશોને રેનબસેરામાં રહેવા જતાં રહો,ખાવાનું મળી જશે
તમને એમ કહેતાં રહીશો ઉગ્ર રોષમાં આવ્યા હતા. રહીશોએ કૉર્પોરેશન પાસે આવાસ યોજના
હેઠળ બાંધવામાં આવેલા મકાનોમાં પાણી નિકાલની કાયમી વ્યવસ્થા ના થાય ત્યાં સુધી અન્યત્ર મકાન ફાળવવા
રજૂઆત કરી હતી. જો સત્તાધીશો આવાસ ફાળવી શકતા ના હોય તો બે હાથ જોડીએ છીએ,જય
માતાજી. રેનબસેરામાં અમારે રહેવું નથી. તમે અહીંયા ફોટા પડાવવા આવ્યા છો કહી તમામને
ચાલતી પકડાવી હતી.
નિકોલ ખાતે આવેલા મધુમાલતી આવાસ યોજનામાં ભારે વરસાદના
સમયમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, ઉપરાંત રહીશોના ઘરોમાં પણ પાણી ભરાતાં હોય છે. આ
બાબત મ્યુનિસિપલ કૉર્પોરેશનનું વહીવટીતંત્ર અને સત્તાધીશો સારી રીતે જાણતા હોવા છતાં
ભરાતાં વરસાદી પાણીના નિકાલને લઈ કોઈ વ્યવસ્થા કે કામગીરી કરવા ઉપર ધ્યાન આપ્યું નથી. બુધવારે દસક્રોઈના ધારાસભ્ય, પાણી
સમિતિના ચેરમેન તથા નિકોલ વૉર્ડના સ્થાનિક કૉર્પોરેટરો મધુમાલતી આવાસ યોજનાની
મુલાકાતે પહોંચ્યા એ સમયે તેમને પણ ભરાયેલા વરસાદી પાણી અને કાદવ-કીચડમાંથી પસાર
થવું પડ્યું હતું. દરમિયાન આવાસ યોજનાના રહીશોએ તેમની વ્યથા રજૂ કરી હતી. રહીશોએ ભાજપના
પદાધિકારીઓને કહ્યું કે, પાણી
નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. અમે કેટલી તકલીફ ભોગવીએ છીએ તેની તમને ખબર
નથી. હજુ વરસાદ પડશે તો આ જ પરિસ્થિતિ સર્જાશે. અમને અન્યત્ર મકાન ફાળવી આપો. પાણી
સમિતિના ચેરમેને રહીશોને રેનબસેરામાં રહેવા જવાનું કહેતા રહીશાએ ઉગ્ર રોષ વ્યકત
કર્યો હતો.
કેટલા મકાન માલિક, કેટલા
ભાડુઆત છે? પાણી
સમિતિના ચેરમેન
મધુમાલતી આવાસ યોજના ઔડાના સમયમાં બનેલી છે. મ્યુનિ.ની પાણી
સમિતિના ચેરમેને રહીશોની વેદના જાણી તેનો નિકાલ કરવાની દિશામાં કામગીરી કરાવાશે એમ
કહેવાના બદલે આ આવાસ યોજનામાં કેટલા મકાન માલિક અને કેટલા ભાડુઆત છે એ અંગેની વિગત
રહીશો પાસેથી માંગતા રહીશોનો આક્રોશ વધ્યો હતો. રહીશોએ કહ્યું, અમે તમને અહીં
વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કેવી રીતે કરવી એ અંગે બોલાવ્યા છે અને તમે કેટલા
મકાન માલિક અને ભાડુઆત છે એ વિશે વાત કરો એ યોગ્ય નથી.
આવતાં ચોમાસા સુધીમાં કામગીરી પૂરી કરાશે
મધુમાલતી આવાસ યોજનાના રહીશોનો આક્રોશ જોઈ ભાજપના
હોદ્દેદારોએ રહીશોને કહ્યું, અમે તમને સાંભળવા જ આવ્યા છીએ. વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાંખવાની છે. આવતાં ચોમાસા
સુધીમાં કામગીરી પૂરી કરાશે. સર્વે કરવાનુ તંત્રને કહી દેવાયું છે. તમારી તમામ
સમસ્યાનો નિકાલ આવી જશે.