વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ વરસાદી કાંસો માટે કરેલો ખર્ચ માથે પડ્યો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ મંજૂર કરવા સમગ્ર સભા મળી ત્યારે શહેરમાં પૂરની સ્થિતિ નિવારવા અને વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે શહેરના 66 વરસાદી કાંસને પુનર્જીવિત અને વિભાજિત કરવા, પુનઃ માર્ગે વાળવા સહિતની કામગીરી કરવા વાતો કરવામાં આવી હતી.
ચર્ચા દરમિયાન વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ કહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા નુર્મ યોજના હેઠળ 13 વરસાદી કાંસમાં આશરે 85 કરોડના ખર્ચે જુદી જુદી કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પછી પણ આ કાંસોની અત્યારે હાલત શું છે તે વિચારવા જેવું છે. આ 13 વરસાદી કાંસોમાં રૂપારેલ, એરફોર્સ, ગોત્રી ભાયલી, ભૂખી, ઊંડેરા, કલાલી, વાસણા બાંકો, ટીબી હોસ્પિટલ, કુતરા વાડી વગેરે કાંસો પુનર્જીવિત કરવા કરોડોના ખર્ચ કરવામાં આવ્યા હતા. ખરેખર જો કાંસો પુનર્જીવિત કરવાના કામો કર્યા હોય અને ફરી કોર્પોરેશન દ્વારા વરસાદી કાંસો ઊંડા અને પહોળા કરવાની કામગીરી કરવા આયોજન હાથ ધરાયું છે તો અગાઉ જે ખર્ચ કરેલો છે તે માથે પડ્યો કહેવાય અને પ્રજાકીય નાણાંનો બગાડ થયો એવું સ્પષ્ટ કહી શકાય. વડોદરામાં ગાયકવાડી શાસન વખતના ત્રણ મુખ્ય વરસાદી કાંસો છે જેમાં ભૂખી, મસીયા અને રૂપારેલ કાંસનો સમાવેશ થાય છે. આ કાંસો પર દબાણો થઈ ગયા છે. વરસાદી પાણીનો ત્યાંથી નિકાલ જ થઈ શકતો નથી. જેના લીધે શહેરમાં આ સ્થાનિક સમસ્યાને કારણે ભારે વરસાદ પડે ત્યારે પૂરની પરિસ્થિતિ ઉભી થાય છે. આ સમસ્યાનો પ્રથમ ઉકેલ હાથ ધરવો જરૂરી છે.