132 વર્ષ જૂના એલિસબ્રિજનું રિનોવેશન શરૂ, રૂ.27 કરોડનો થશે ખર્ચ
Ahmedabad Ellisbridge : અમદાવાદમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો 132 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજ જર્જરીત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા કવાયત તેજ કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા બ્રિજનું રીપેરીંગ કામ શરૂ કરાયું છે.
બ્રિજના સરવે બાદ રિનોવેશનની કામગીરી કરાઈ શરૂ
બ્રિજને કેટલું નુકસાન થયું છે? કયા પ્રકારની મરામતની જરૂર છે? કેટલો ભાગ જર્જરીત છે? આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી AMCએ રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બ્રિજનું મજબૂતીકરણ-પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ ખર્ચાશે
મળતી માહિતી મુજબ, હેરિટેજ વિરાસતની જાળવણી માટે બ્રિજને રિનોવેશન કરવામાં આવશે. જેમાં બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સમગ્ર કામગીરી લગભગ બે વર્ષ ચાલશે.
આ પણ વાંચો: અમદાવાદના 14 પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી, તાત્કાલિક અસરથી હાજર થવા આદેશ
બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયો હતો આ બ્રિજ
1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસબ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર છે. 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો.
બ્રિજનું રીપેરીંગ કામ પૂરું થતાં રાહદારીઓ માટે ખુલ્લો મૂકાશે
બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે. લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રીપેરીંગ કામમાં મેથડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે. આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા-જવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે.