સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હજુ બે દિવસ રેડ એલર્ટ: જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદની આગાહી

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
Saurashtra


Heavy Rain In Saurashtra : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં રાજકોટ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આજે (22 જુલાઈ) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત 11 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, વલસાડ અને નવસારી જિલ્લામાં સતત બે દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવતાં લોકોને સતર્ક રહેવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં રેડ એલર્ટ, 23 જુલાઈની આગાહી 

છેલ્લા ઘણાં દિવસોથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ઓરેન્જ એલર્ટ જાહેર કરતા જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડવાની આગાહી છે.

24 જુલાઈની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદનું પ્રમાણ યથાવત રહેશે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ સહિતના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે  જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, ભરૂચ, નર્મદા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 19 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળશે.

25-26 જુલાઈની આગાહી

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલાં જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં હજુ બે દિવસ રેડ એલર્ટ: જુઓ ગુજરાતમાં ક્યાં ક્યાં અતિભારે વરસાદની આગાહી 2 - image


Google NewsGoogle News